ભાવનગરઃ જિલ્લાના સિહોર શહેર અને ગ્રામ્ય વિસ્તારોની ડુંગરમાળામાં છેલ્લા એક મહિનાથી દીપડાના આંટાફેરાને લઇને લોકોમાં ભારે ફફડાટ ઊભો થયો હતો દીપડો સિહારના પાદરમાં આવીને પશુઓનો શિકાર કરતો હતો. તેમજ ડુંગર પર આવેલા સિહોરી માતાજીના મંદિરમાં દર્શન કરવા માટે જતા લોકો દીપડાંના ભયને લીધે ડર અનુભવતા હતા. તેથી દીપડાને પાંજરે પુરવા માટેની વન વિભાગને રજુઆત કરવામાં આવી હતી.આખરે છેલ્લા પંદર દિવસથી ફોરેસ્ટ વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી હતી. આખરે વન વિભાગને દીપડાના પરિવારને પકડવામાં આંશિક સફળતા મળી છે અને સિહોરને રજાંડતા પાંચ પૈકીના બે દીપડા આખરે પાંજરે પુરાયા છે. દરમિયાન સિહોરની મધ્યમાં આવેલ હોટેલ ગૅલોર્ડની ગેલેરીમાં દીપડાનું બચ્ચું ઘુસી જતાં તંત્ર દોડતું થયું હતુ.
સૂત્રોના જણાવ્યા મુજબ સિહોર શહેરના ડુંગર વિસ્તારમાં છેલ્લાં એકાદ મહિનાથી દીપડાના પરિવારે ધામા નાખ્યા હતા. અને આ દીપડા સિહોરી માતાના ડુંગરની આસપાસ જ રહેતા હોય નગરજનોમાં ભારે ફફડાટ જોવા મળતો હતો અને એમાંય છેલ્લા એકાદ સપ્તાહથી તો સિહોરની બજારમાં પણ રાત્રિના સુમારે દીપડાના આંટાફેરા વધી ગયા હતા આથી લોકો રાત્રિના સમયે પણ સંજોગોવશાત ઘરની બહાર નીકળતા ભયનો અનુભવ કરતાં હતા. પરંતુ આ દીપડા પૈકી એક બચ્ચું સિહોરની મધ્યમાં આવેલ હોટેલ ગૅલોર્ડની ગેલેરીમાં ફસાઇ જતાં તેનું રેસ્કયુ કરાયું હતું. આખરે ફોરેસ્ટ વિભાગ જાગ્યું અને સિહોરી માતા આસપાસના વિસ્તારમાં પાંજરા મૂકવામાં આવ્યા હતા. જેમાં ગત રાત્રિના એક દીપડાનું બચ્ચું પાંજરામાં આવી ગયું હતું જ્યારે બીજું રાત્રિના ગમે તે સમયે સિહોરમાં આવી ગયું હશે સવારે છ-સાડા છના સુમારે ગૅલોર્ડ હોટેલની ગેલેરીમાં દીપડો ફસાઇ ગયાના સમાચાર સિહોર શહેરમાં વાયુવેગે પ્રસરી ગયા હતા. અને આ અંગે ફોરેસ્ટ વિભાગને જાણ થતાં ફોરેસ્ટ વિભાગની ટીમ હોટેલ ગૅલોર્ડ ખાતે પહોંચી ગઇ હતી. દીપડાના બચ્ચને રેસ્ક્યુ કર્યું હતુ.
વન વિભાગના આરએફઓએ જણાવ્યું હતું કે, સિહોરી માતાના ડુંગર આસપાસ આ દીપડા રહેતા હતા.પાંચ પૈકીના બે દીપડા પકડાઇ જતાં હવે બાકી રહેલા ત્રણ દીપડાને પકડવા માટે ત્રણ પાંજરા મૂકી દેવામાં આવ્યા છે. અમારી ટીમ આ વિસ્તારમાં સતત ખડેપગે છે.