- મેળાના આયોજન માટે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક મળી,
- મેળામાં નકલી ઘીનું વિતરણ ન થાય તેની તકેદારી રખાશે,
- મેળામાં પોલીસને સઘન બંદોબસ્ત ગોઠવાશે
ગાંધીનગરઃ જિલ્લાના રૂપાલ ગામે વિશ્વ પ્રસિધ્ધ વરદાયનિ માતાજીના મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પલ્લીનો મેળો તા. 11મી ઓકટોબર 2024ના રોજ યોજાશે. પલ્લીના મેળાના સુચારું આયોજન માટે ગાંધીનગર જિલ્લા કલેક્ટર મેહુલ દવેના અધ્યક્ષ સ્થાને જિલ્લાના અધિકારીઓ, મંદિરના ટ્રસ્ટી ગણના સભ્યો અને ગામના અગ્રણીઓની બેઠક યોજાઇ હતી.
ગાંધીનગર જિલ્લામાં આવેલું રૂપાલ ગામનું વરદાયનિ માતાજીનું મંદિર લોકોની આસ્થાનું કેન્દ્ર છે. આ મંદિર ખાતે દર વર્ષે યોજાતો પલ્લીનો મેળો વિશ્વભરમાં સુપ્રસિધ્ધ છે. આ મેળો આગામી તા. 11મી ઓકટોબર 2024ના રોજ યોજાશે. કલેકટર કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં જિલ્લા કલેકટર મેહુલ દવેએ મેળો શાંતિપૂર્ણ માહોલમાં અને ભક્તોને કોઇપણ તકલીફ ન પડે તેવી વ્યવસ્થા ગોઠવવાની સુચના આપી હતી. તેમજ પલ્લીના મેળા દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. સમગ્ર મેળા દરમિયાન શાંતિ જળવાઇ રહે અને સુલેહનો ભંગ ન થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રહેશે. તેની સાથે ભક્તો શાંતિપૂર્ણ માહોલમાં દર્શન કરી શકે તેવી સુચારું વ્યવસ્થા પણ કરવાની સૂચના આપી હતી.
જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે, મેળા દરમિયાન પ્રાથમિક સારવાર કેન્દ્ર ઉભા કરી તાત્કાલિક સારવાર મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવી અને દવાઓનો પૂરતો જથ્થો રાખવો. તેમજ પલ્લીમેળા દરમિયાન 15 મેડીકલ સ્ટાફ સાથે તથા ત્રણ ર્ડાકટર રાઉન્ડ ઘ કલોક ફરજ પર રાખવાની સૂચના આપી છે. આ મેડીકલ ટીમ લાયબ્રેરી પાસે, માતાજીના મંદિર પાસે અને વેરાઇ મંદિરની સામે રાખવામાં આવશે. તેમજ 108ની ત્રણ એમ્બ્યુલન્સ તથા ફર્સ્ટ એઇડના ત્રણ પોઇન્ટ રાખવાના રહેશે. જેમાં એક પોઇન્ટ માતાના મંદિરમાં, બીજો પોઇન્ટ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ત્રીજો પોઇન્ટ આંગવાડી કેન્દ્ર ખાતે રાખવામાં આવશે. ખાસ કરીને મેળામાં ડેપ્લીકેટ ઘીનું વિતરણ ન થાય તેની ખાસ તકેદારી રાખવા ખોરાક અને ઔષધ નિયમન તંત્રને ખાસ સૂચના આપી હતી. તેમજ ડુપ્લીકેટ ઘીનું વિતરણ ન થાય તે માટેની તપાસ કરવા માટે ખાસ ટીમો હાજર રાખવા પણ જણાવ્યું હતું. તેની સાથે ત્યાં ગુણવત્તા યુક્ત ખાધ ખોરાકનું વિતરણ થાય તેની પણ તકેદારી રાખવા જણાવ્યું હતું. તેની સાથે પલ્લીના મેળામાં આવતાં ભક્તોને સ્થળ ઉપર સરળતાથી જઇ શકે તે માટે કલોલ, ગાંધીનગર અને માણસા ડેપો મેનેજરને ખાસ બસની સુવિધા ઉભી કરવા જણાવ્યું હતું.
આ ઉપરાંત મેળાની નજીકમાં એસ.ટી. સ્ટેન્ડ બનાવવા પણ સૂચના આપી હતી. તેની સાથે પોતાનું વાહન લઇ આવતાં દર્શનાર્થીઓને તેમના વાહન પાર્કિંગ કરી શકે તે માટે ખાસ પાર્કિગ સુવિધા ઉભી કરવા પણ સૂચના આપી હતી. પલ્લીના મેળા દરમિયાન ટ્રાફિકની સમસ્યા ન સર્જાય અને કાયદો વ્યવસ્થા જાળવાઇ રહે તેવું આયોજન કરવા પણ સંબંધિત અધિકારીને સૂચન કર્યું હતું. પલ્લીના મેળા દરમ્યાન આવતાં ભક્તોને પીવાનું શુધ્ધ પાણી સરળતાથી મળી રહે તે માટે વિવિધ સ્થળો ખાતે પાણી સ્ટોલ બનાવવાની સાથે તમામ વિસ્તારમાં સ્વચ્છતા કરાવી અને દવાનો છંટકાવ કરવો.