ગુરુગ્રામમાં બહુમાળી ઈમારતનો કેટલોક ભાગ ધરાશાયી, મહિલાનું મોત
- કાટમાળની નીચે ઉચ્ચ સરકારી અધિકારી દબાયા
- વહીવટી તંત્રની બચાવ ટીમ ઘટના સ્થળે
- બહુમાળી ઈમારત ખાલી કરાવવામાં આવી
નવી દિલ્હીઃ ગુરુગ્રામના સેક્ટર 109માં દ્વારકા એક્સપ્રેસ વેની બાજુમાં આવેલા ચિન્ટેલ પેરાડિસો સોસાયટીના ડી ટાવરના 6ઠ્ઠા માળના ડ્રોઇંગ રૂમની છત તૂટી પડી હતી. છતનો કાટમાળ પાંચમા માળે પડતાં ગ્રાઉન્ડ ફ્લોર સુધીના ડ્રોઇંગ રૂમનો એક ભાગ ધરાશાયી થયો હતો. આ અકસ્માત બાદ સોસાયટી પરિસરમાં લોકોએ મદદ માટે બુમાબુમ કરી હતી.
આ જ ટાવરમાં રહેતા સેન્ટ્રલ વેરહાઉસિંગ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર એકે શ્રીવાસ્તવ અને તેમની પત્ની સુનીતા શ્રીવાસ્તવ કાટમાળ નીચે દટાયા હતા. ગુરુગ્રામના ફાયર ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી ડાયરેક્ટર ગુલશન કાલરાએ જણાવ્યું હતું કે સુનીતાનું મૃત્યુ થયું છે, પરંતુ એકે શ્રીવાસ્તવ હજુ પણ ફસાયેલા છે. બીજી તરફ 18 માળના આ ટાવરને તાત્કાલિક ખાલી કરાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત જિલ્લા વહીવટી તંત્રની સૂચના પર બિલ્ડર અશોક સોલોમન વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. જેથી પોલીસે પણ આ મામલાની સઘન તપાસ શરૂ કરી છે.
એકે શ્રીવાસ્તવ તેમની પત્ની સાથે રહેતા હતા, તેમના બાળકો વિદેશમાં રહે છે. પહેલા માળે રહેતી એકતાનું મોત થયું હતું. અકસ્માતમાં અનેક લોકો ઘાયલ થયા છે. કાટમાળમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી મોડી રાત સુધી ચાલી હતી. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) અને ફાયર બ્રિગેડ અને અન્ય એજન્સીઓની ટીમોએ કાટમાળને હટાવવાની કામગીરી કરી હતી.