રાજકોટઃ સૌરાષ્ટ્રમાં ઠંડી હવે ધીમા પગલે વિદાય રહી રહી છે. અને તાપમાનમાં થોડો વધારો થયો છે. જો કે, મોડીરાતથી લઈને વહેલી સવાર સુધી ઠંડી અનુભવાઈ રહી છે. આજે પણ રાજકોટના જેતપુર-ગોંડલ નેશનલ હાઈવે પર વહેલી સવારે 100 ફૂટ દૂર ન દેખાઈ એટલી ગાઢ ધુમ્મસ છવાયું હતું. વિઝીબિલિટી ઘટતા હાઈવે પર પસાર થતા વાહનચાલકોને પરેશાની થઈ હતી અને પોતાના વાહનોની લાઇટ ચાલુ રાખવાની ફરજ પડી હતી. તેમજ સવારમાં ઠંડો પવન ફૂંકાતા લોકોએ પણ ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક શહેરો-નગરોમાં સવારે ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ હતી.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં આંશિક પલટો આવ્યો છે.રાજકોટ સહિતના શહેરો અને ગ્રામીણ વિસ્તારમાં આજે સવારથી સૂર્યદેવ વાદળોમાં છૂપાયેલા રહેતા વાદળીયા માહોલમાં હવામાં ભેજના વધારા સાથે ઠંડો પવન ફુંકાવો શરૂ થતા સવારે ઠંડી અનુભવાતા લોકોએ સ્વેટર, ટોપી, શાલ, મફલરનો સહારો લેવો પડયો હતો.
સમગ્ર સૌરાષ્ટ્ર સાથે રાજકોટ મહાનગરમાં આજે સૂર્યદેવ વાદળોમાં છુપાયેલા રહ્યા હતા. જ્યાં વીરપુર અને ગોંડલ પંથકમાં આજે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. મોડે સુધી સૂર્યનારાયણના દર્શન થયા નહોતા. ગાઢ ધુમ્મસને કારણે વાતાવરણમાં વરસાદી માહોલ જામ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યાં હતા ગાઢ ધુમ્મસને કારણે શિયાળુ પાક જીરાને નુકસાન પહોંચવાની ભીતિ સેવાઇ રહી છે. આથી ખેડૂતોમાં ચિંતા જોવા મળી હતી. ગાઢ ધુમ્મસની અસર સૌથી વધારે જીરાને પાકને થાય છે. ગાઢ ધુમ્મસને કારણે ધૂંધળુ વાતાવરણ જોવા મળ્યું હતું. કેટલાક વિસ્તારોમાં સવારે ઝાકળ પડવાના પણ વાવડ મળ્યા છે.