Site icon Revoi.in

તમિલનાડુના કાવરપેટ્ટાઈમાં એક પેસેન્જર ટ્રેન માલવાહક ટ્રેન સાથે અથડાઈ, 16 લોકો ઘાયલ

Social Share

ચેન્નાઈઃ તમિલનાડુના કાવરપેટ્ટાઈમાં રાત્રે એક પેસેન્જર ટ્રેન માલ-વાહક ટ્રેન સાથે અથડાતાં ઓછામાં ઓછા 16 લોકો ઘાયલ થયા હતા.
જોકે કોઈ જાનહાનિના સમાચાર નથી. અથડામણ બાદ ઓછામાં ઓછા 12થી 13 કોચ પાટા પરથી ઉતરી ગયા હતા. ઈજાગ્રસ્ત મુસાફરોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. આ ઘટના દક્ષિણ રેલવેના ચેન્નાઈ ડિવિઝનમાં ગુમ્મીડીપૂંડી નજીક કાવરપેટ્ટાઈ ખાતે બની હતી, જ્યારે મૈસૂર-દરભંગા બાગમતી એક્સપ્રેસ પોનેરીમાંથી પસાર થઈ રહી હતી, ટ્રેન લૂપ લાઈનમાં ઘૂસી ગઈ હતી, જેના કારણે તે ત્યાં ઉભેલી માલગાડી સાથે અથડાઈ હતી. 30 NDRFના જવાનો રાહત અને બચાવ કામગીરીમાં જોડાયા છે.

તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિને અધિકારીઓને સારવાર લઈ રહેલા લોકોને શક્ય તમામ સહાય પૂરી પાડવાનો આદેશ આપ્યો છે. નાયબ મુખ્યમંત્રી ઉધયનિધિએ હોસ્પિટલોમાં ઘાયલોને મળ્યા અને તેમની સારવાર વિશે પૂછપરછ કરી. અન્ય મુસાફરો માટે બસ દ્વારા તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ વિભાગમાં બંને તરફ ટ્રેનોની અવરજવર અસરગ્રસ્ત બની છે દક્ષિણ રેલવેના જનરલ મેનેજર આરએન સિંઘે જણાવ્યું હતું કે આજે બપોર સુધીમાં સ્થિતિ સામાન્ય થઈ જશે.