અમદાવાદઃ વિદેશ જવા માટે પાસપોર્ટ જરૂરી છે. ગુજરાતમાં પાસપોર્ટ મેળવવા માટે અરજદારો ઓનલાઈન અરજીઓ કરીને નિયત ફી ચુકવતા હોય છે. જેમાં પુરતા દસ્તાવેજ ન હોવાથી ઘણીબધી અરજીઓ પેન્ડિંગ રહેતી હોય છે. ત્યારે આવી પેન્ડિંગ અરજીઓના નિકાલ માટે અમદાવાદમાં તા.3જી ફેબ્રુઆરીને શનિવારે પાસપોર્ટ અદાલત યોજાશે.
અમદાવાદના ગુલબાઈ ટેકરા ખાતે આવેલી રિજનલ પાસપોર્ટ કચેરીએ લાંબા સમયથી પાસપોર્ટની પડતર ફાઈલોનો નિકાલ કરવા માટે 3 ફેબ્રુઆરીએ પાસપોર્ટ અદાલત યોજાશે. આ દિવસે એકસાથે 1600 અરજદારોને બોલાવવામાં આવ્યા છે. જે અરજદારો તેમની ફાઈલ સંબંધિત પૂરતા ડોક્યુમેન્ટ્સ સાથે હાજર થશે, તેમની ફાઈલ ત્યાં જ ક્લિયર કરી પાસપોર્ટ ઈશ્યૂ કરી દેવાશે. પેન્ડિંગ ફાઈલોનો ઝડપી નિકાલ માટે આગામી સમયમાં પણ બીજી પાસપોર્ટ અદાલતનું આયોજન કરાશે. છેલ્લા બે વર્ષ કે વધુ સમયથી જે અરજદારોની પાસપોર્ટની એડોપ્શન, ક્રિમિનલ કે જન્મ તારીખમાં સુધારા વધારા જેવા કારણોથી ફાઈલોનો નિકાલ થયો નથી તેવા અરજદારોને આ પાસપોર્ટ અદાલતમાં રૂબરૂ બોલાવવામાં આવશે. આ તમામ અરજદારો અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી આવશે. જે અરજદારો નહિ આવે તેમને ફરી બોલાવવામાં આવશે.
ગુજરાતના રિજિયોનલ પાસપોર્ટ અધિકારી અભિજીત શુક્લાએ જણાવ્યું કે 3 ફેબ્રુઆરીને શનિવારે પ્રથમ પાસપોર્ટ અદાલતમાં અરજદારોને રૂબરૂ ડોક્યુમેન્ટ લઈને બોલાવ્યા છે. ખાસ કરીને એડોપ્શન, ક્રિમિનલ કેસોમાં કોર્ટનું જજમેન્ટ ધ્યાને લેવાશે ત્યાં જ હિયરિંગ કરી જે તે અરજદારની ફાઈલ ક્લિયર કરી દેવાશે. આ નિર્ણયથી અટવાયેલી અરજીઓના નિકાલનો માર્ગ મોકળો થયો છે.
સૂત્રોએ જણાવ્યું હતુ કે, રિજિયોનલ પાસપોર્ટ કચેરીમાં હાલમાં 15થી 20 હજાર પેન્ડિંગ ફાઈલો છે જેમાં કોર્ટના હુકમ બાકી છે હવે આ ફાઈલો ત્યારેજ ક્લીઅર થશે જ્યારે તેઓ કોર્ટના ચુકાદા પાસપોર્ટ કચેરી સમક્ષ રજૂ કરે ત્યારબાદ પાસપોર્ટ ઈસ્યુ કરાશે. ગુજરાતમાં નવા આરપીઓની નિમણૂક થયા બાદ બે મહિનામાં 30 હજારથી વધુ પેન્ડિંગ ફાઇલો ફાસ્ટટ્રેક ધોરણે ક્લિયર કરાઈ છે. હજારો અરજદારોને પાસપોર્ટના કચેરીના ધક્કા ખાવામાંથી મુક્તિ મળી છે. જે પાસપોર્ટની ફાઈલોમાં નાના મોટા ડોક્યુમેન્ટ કચેરી લેવલે ખૂટતા હતા તેમાં આરપીઓના રજિસ્ટર્ડ મેઈલ પર ડોક્યુમેન્ટ મંગાવી વેરિફિકેશન માટે ગ્રાન્ટિંગ ઓફિસરની નિમણૂક પણ કરાઈ હતી.