- સપ્ટેમ્બરમાં માત્ર 6 શિપ ભંગાવવા માટે આવ્યા,
- છેલ્લા નવ મહિનામાં 73 શિપ ભંગાવવા લાંગર્યા હતા,
- સામાન્ય સ્થિતિમાં મહિને 25થી વધુ જહાંજ ભંગાવવા આવતા હતા
ભાવનગરઃ જિલ્લાનો અલંગ શીપ બ્રેકિંગ યાર્ડ છેલ્લા એક વર્ષથી મંદીનો સામનો કરી રહ્યો છે. છેલ્લા નવ મહિનામાં માત્ર 73 શિપ ભંગાવવા માટે આવ્યા હતા. અને બે વર્ષથી સતત મુશ્કેલીઓનો સામનો કરી રહેલા અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં પ્રતિ માસ આંગળીના વેઢે ગણી શકાય તેટલા જ જહાજ ભાંગવા માટે આવી રહ્યા છે. સપ્ટેમ્બર માસ પણ અલંગ માટે સુસ્તતા વાળો રહ્યો અને અલંગમાં માત્ર 6 શિપ બીચ થઇ શક્યા હતા. શીપ બ્રેકિંગ ઉદ્યોગમાં મંદીને કારણે રોજગારી પર અસર થઈ રહી છે.
અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ દેશમાં મોખરાનું સ્થાન ધરાવે છે, હાલ શીપ બ્રેકિંગ ઉદ્યોગ મંદીના વમળોમાં ફસાયો છે. અલંગમાં સામાન્ય પરિસ્થિતિ હોય ત્યારે સરેરાશ 25 જહાજ પ્રતિ માસ ભંગાણાર્થે આવે છે, પરંતુ ઇઝરાયેલ-હમાસ-હિઝબુલ્લા સહિતની યુધ્ધની પરિસ્થિતિ અને જહાજના નૂર દર નક્કી કરી રહેલા બાલ્ટિક ડ્રાય ઇન્ડેક્સમાં સતત આવી રહેલા ઉછાળાને કારણે જહાજના નૂર દર સતત વધી રહ્યા છે. જેના કારણે જહાજના માલીકો જૂના જહાજ પણ સામાન્ય મરામત કરાવી અને ફેરીમાં ચલાવી રહ્યા છે. જેની સીધી અસર ભંગાણાર્થે મોકલવા માટેના જહાજના જથ્થા પર પડી રહી છે.
અલંગ શિપ યાર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ વર્ષ 2024ના શરૂઆતના 9 મહિના દરમિયાન કુલ 73 જહાજ અલંગનો કાંઠો અડકવામાં સફળ રહ્યા છે, અને તેનું કુલ વજન 537759.49 મે.ટન છે. સપ્ટેમ્બર માસ દરમિયાન અલંગમાં ફક્ત 6 જહાજ બીચ થયા છે, અને તેનું કુલ વજન 38,388 મે.ટન છે. સપ્ટેમ્બર-2023 દરમિયાન અલંગ ખાતે કુલ 12 શિપ બીચ થયા હતા અને તેનું કુલ વજન 65489.78 મે. ટન હતુ. જાન્યુઆરીથી સપ્ટેમ્બર-2023 દરમિયાન 92 શિપ અલંગમાં આવ્યા હતા અને તેનું વજન 680646.17 મે. ટન હતુ. સૌથી વધુ શિપ જાન્યુઆરીમાં 15 આવ્યા હતા.