Site icon Revoi.in

બનાસકાંઠાના થરાદ અને ધાનેરા તાલુકાના તળાવો નર્મદાના નીરથી ભરવા પાઈપલાઈન નંખાશે

Social Share

ગાંધીનગરઃ  રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના  થરાદ અને ધાનેરા તાલુકાના ગામોના તળાવો નર્મદાના પાણીથી ભરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. બન્ને તાલુકાના તળાવો ભરવા માટે 61 કિલોમીટર મુખ્ય પાઇપ લાઈન  સહિત 169 કિલોમીટર લંબાઈની પાઇપ લાઈન દ્વારા 200થી  વધુ તળાવો નર્મદા જળથી ભરવા 1411 કરોડ રૂપિયાના કામોને સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ છે. મુખ્યમંત્રીએ આ બે તાલુકાઓમાં ઉદવહન પાઈપલાઈનનું આયોજન કરીને સિંચાઇથી વંચિત એવા આ વિસ્તારોમાં ભૂગર્ભ જળ ઊંચા લાવવાનો ખેડૂત હિતકારી અભિગમ અપનાવ્યો છે.

બનાસકાંઠા જિલ્લાને નર્મદા યોજનાનો પુરતો લાભ મળ્યો નથી. જેમાં થરાદ અને ધાનેરા તાલુકો પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આ બંને તાલુકાઓમાં કોઇ મોટી સિંચાઇ વ્યવસ્થા ઉપલબ્ધ નથી. એટલું જ નહિ, થરાદ તાલુકાનો પૂર્વ તરફનો ઉપરનો વિસ્તાર સિંચાઇ વિહોણો છે. થરાદ અને ધાનેરા તાલુકાઓને સિંચાઇ માટે પૂરતું પાણી મળી રહે તેની અતિ આવશ્યકતાને ધ્યાનમાં લઇને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બન્ને તાલુકાઓના ગામોના 200 થી વધારે સરકારી પડતર તળાવોને નર્મદા નહેર આધારિત ઉદવહન પાઇપલાઇનથી આવરી લેવાના દિશાનિર્દેશો આપ્યા છે.

મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં 61 કી.મી લાંબી  મુખ્ય પાઇપલાઇન અને 135 કી. મીટર લાંબી પેટા લાઈન દ્વારા 200 ક્યુસેક્સ પાણી ઉદવહન કરવા માટે આશરે ત્રણ પમ્પીંગ સ્ટેશન બનાવવા સહિતની સમગ્ર યોજનાકીય કામગીરી માટે 1411  કરોડ રૂપિયાની રકમ માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, નર્મદા મુખ્ય નહેર આધારિત પ્રગતિ હેઠળની 2 અને પૂર્ણ થયેલી 12 એમ કુલ 14 ઉદવહન પાઇપલાઇનોની કુલ ક્ષમતા 3375  ક્યુસેક્સ દ્વારા મહત્તમ 0.60  MAF પાણી ઉપાડવામાં આવે છે. નર્મદાના વધારાના એક MAF પાણીના ઉદવહન માટે સ્થાપિત ક્ષમતા વધારવી પડે તેમ છે તે સંદર્ભમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે થરાદ અને ધાનેરા તાલુકાના બાકી રહી જતા ગામોના 200 થી વધુ તળાવો નર્મદા જળથી ભરવાનો આ ખેડૂત હિતલક્ષી નિર્ણય કર્યો છે.