અમદાવાદમાં 7 ઝોનમાં નાના-મોટા તળાવો સુએજના ટ્રીટ કરેલા પાણીથી ભરવા માટેની યોજના ખોરંભે
અમદાવાદઃ શહેરના સાત ઝોનમાં નાના-મોટા મળીને કુલ 156 તળાવો છે. જેમાં 108 જેટલા તળાવો મ્યુનિ.કોર્પોરેશન હસ્તક છે. સુએજના પાણીને ટ્રીટેડ કરીને તમામ તળાવો ભરવા માટેની યોજના અમસમાં મુકવામાં આવી હતી. પરંતુ કોઈ કારણોસર આ યોજના ખોરંભે પડતા મોટાભાગના તળાવો ભરી શકાયા નથી.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદવાદ શહેરમાંથી નીકળતું સુએજનું પાણી ટ્રીટ કરવામાં આવી રહ્યું છે. સાથે જ વર્ષ 2022-23ના બજેટમાં 5 કરોડના ખર્ચે શહેરના જુદા જુદા નાના-મોટા તળાવોને ડ્રેનેજના શુદ્ધ કરવામાં આવેલા પાણી એટલે કે ટ્રીટેડ વોટરથી ભરવા માટે 5 કરોડના ખર્ચે મીની સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાની જોગવાઇ કરવામાં આવી હતી. સત્તાધીશો દ્વારા મોટા ઉપાડે ક૨વામાં આવેલી જાહેરાત છતા 17 વર્ષથી સત્તા સ્થાને રહેલા ભાજપ દ્વારા 108 પૈકી માત્ર ત્રણ તળાવોમાં મીની એસ.ટી.પી. પ્લાન્ટ શરૂ કરાવી શકયા છે. દર વર્ષે ચોમાસાની સીઝનમાં વરસાદી પાણીથી તળાવો ભરવાની જાહેરાત કરવામાં આવે છે. આમ છતા અમદાવાદના એક પણ તળાવમાં સુએજના ટ્રીટ કરેલા પાણીથી ભરાયેલા હોય તેવુ જોવા મળતુ નથી. મ્યુનિ.ના સત્તધિશો દ્વારા દર વખતે બજેટમાં મોટી મોટી જાહેરાતો કરવામાં આવે છે. પરંતુ બટેજની ફાળવણી બાદ પણ તેનો અમલ થતો નથી.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધીશોએ વર્ષ 2022-23ના બજેટમાં 5 કરોડના ખર્ચે મીની એસટીપી પ્લાન્ટ બનાવી ટ્રીટેડ વોટ૨થી તળાવો ભરવાની વાતો પોકળ પુરવાર થઇ છે. વિપક્ષ નેતા શહેઝાદખાન પઠાણે સત્તાધારી પક્ષને આ પ્રકારના પ્રલોભનો આપવાના બદલે નકકર કામગીરી કરવાની દીશામાં શકય હોય તેવાજ કામ મંજુર કરવા માંગણી કરી હતી.