ગાંધીનગરઃ રાજ્યમાં લોકો ડીલર્સને ત્યાંથી દ્રિચક્રી કે ફોરવ્હીલર વાહની ખરીદી કરે ત્યાર બાદ આરટીઓનો રજિસ્ટ્રેશન નંબર માટે એકાદ મહિનાની રાહ જોવી પડતી હોય છે. ત્યાં સુધી ડિલર્સ દ્વારા અપાયેલા ટેમ્પરરી નંબર જ માન્ય ગણવામાં આવે છે. હવે ગુજરાતમાં હવે ગમે ત્યારે વાહન છોડાવવાનું થાય ત્યારે તેના માલિકને નંબર પ્લેટ મેળવવા માટે વધુ રાહ જોવી નહીં પડે. જે દિવસે વાહન છોડાવવાનું હોય તે જ સમયે શો-રૂમ પર વાહનના ડીલર્સ જ નંબર પ્લેટ ફિટ કરીને વાહનની ડિલિવરી આપશે. સરકાર ટૂંક સમયમાં આ નવા નિયમ માટેનો ઠરાવ બહાર પાડશે.
સૂત્રોના જણાવ્યા મુજબ 15 દિવસમાં જ વાહન વ્યવહાર વિભાગ આ ઠરાવ બહાર પાડી શકે છે. અત્યારે અમદાવાદમાં નવા વાહનને નંબર પ્લેટ લાગતા એક અઠવાડિયાથી વધુનો સમય જાય છે. શહેરમાં દર મહિને અંદાજે 3500થી 4 હજાર નવા વાહનનું વેચાણ થાય છે. ગુજરાત સરકારે આ નવા નિયમને લાગુ કરવા માટે કેન્દ્ર સરકારના વાહન વ્યવહાર મંત્રાલય પાસેથી પૂર્વ મંજૂરી મેળવી લીધી છે. આ નિયમ હેઠળ રેન્ડમાઇઝેશન ઉપરાંત પસંદગીના નંબર માટે પણ વાહનોના ખરીદારોને લાંબો સમય રાહ જોવી નહીં પડે. આ અગાઉ સરકારે વાહનની ડિલિવરી મેળવી લીધા બાદ આરટીઓ રજિસ્ટ્રેશન થયા પછી ડીલર્સને ત્યાંથી જ નંબર પ્લેટ ફિટ કરાવવાની પ્રણાલી શરૂ કરી હતી. ગુજરાત સરકાર હવે આ સમગ્ર પ્રક્રિયાનું વિકેન્દ્રીકરણ કરીને વાહનોના ડીલર્સને જ સ્ટોક હોલ્ડર બનાવીને તેમના થકી પણ નંબર ફાળવણીની પ્રક્રિયાને અધિકૃત કરશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગુજરાતમાં કોઈપણ વ્યક્તિ વાહન ખરીદે ત્યારબાદ નવા વાહનના દસ્તાવેજો રજિસ્ટ્રેશન માટે આરટીઓ કચેરીમાં ઓનલાઇન મોકલવામાં આવે છે, જેની ખરાઈ થયા બાદ આરટીઓ કચેરી તેનો નિકાલ કરીને નંબર ફાળવે છે. આ નંબરની એચએસઆરપી તૈયાર કરવા ગાંધીનગર સ્થિત નંબર પ્લેટ કંપનીમાં વાહનડીલર નંબરની યાદી મોકલી આપે છે નંબર પ્લેટ તૈયાર થઈને આવે ત્યાર બાદ વાહન માલિકને જાણ કરાય છે આ સમગ્ર પ્રોસેસમાં એક સપ્તાહ જેટલો સમય લાગે છે પસંદગીના નંબર હોય તો તેમાં વધુ સમય જાય છે. પણ હવે આ માટે પણ રાહ જોવી પડશે નહીં ખાસ પસંદગીના નંબર માટેની હરાજીમાં ફાળવાઇ ગયેલા નંબર સિવાયના કોઇ નંબર માટે ગ્રાહકની કોઇ પસંદગી હોય તો તે ડીલર્સને ત્યાં કમ્પ્યુટર સિસ્ટમમાં જ નંબર જોઇ શકાશે. જરૂરી ફી ભર્યાં બાદ તે નંબર તેને મળી રહેશે. જ્યારે પસંદગી સિવાયના નંબર ડીલર્સ રેન્ડમાઇઝેશનની પ્રક્રિયાથી મેળવી લેશે. સરકાર હવે નંબર પ્લેટ બનાવવા માટેની સુવિધા પણ વધારવા જઇ રહી છે. હાઇ સિક્યોરિટી નંબર પ્લેટ માટે ગ્રાહકોને લાંબો સમય રાહ જોવી પડતી હતી અને ઘણીવાર આરટીઓ કચેરીના ધક્કા ખાવા પડતા હતા. પરંતુ હવે મોટા જથ્થામાં નંબર પ્લેટ બની શકે તે માટે ડીલર્સને જ સરકારે તૈયાર કર્યા છે.