કડીમાં 11,000 પક્ષીઓ સુરક્ષિત રહી શકે તેવા ચબૂતરાનું નિર્માણ કરાયું
અમદાવાદઃ રાજ્યમાં ચકલી સહિતના કેટલાક પક્ષીઓની સંખ્યા સતત ઘટી રહી છે, બીજી તરફ વિકાસના નામે વૃક્ષોનું નિકંદન કરવામાં આવી રહ્યું હોવાથી પક્ષીઓને રહેવાની સમસ્યા ઉભી થઈ છે. દરમિયાન ઉત્તર ગુજરાતના કડી તાલુકાના ઘુમાસણ ગામમાં 11 હજાર પક્ષીઓ સુરક્ષિત રહી શકે તે માટે વિશાળ ચબૂતરો બનાવવામાં આવ્યો છે.
આજે માનવી પોતાની સુવિધા ઉભી કરવા માટે વૃક્ષોનું નિકંદન કરવા લાગ્યો છે. આ કારણોસર વૃક્ષો ઓછા થઈ રહ્યા છે અને ચકલી સહિતના ઘણા પક્ષીઓ લુપ્ત થતા જાય છે. પંખીઓના વસવાટ વધે તે હેતુથી કડી તાલુકાના ઘુમાસણ ગામે ઘુમાસણ- ધારપુરા રોડ પર 33 લાખના ખર્ચે માટલાનો બંગલો તૈયાર કરવામાં આવ્યો છે. આ શિવાલય પંખીઘરમાં અંદાજે 11,000 થી વધુ પક્ષીઓ સુરક્ષિત રીતે રહી શકે છે. કુદરતી સૌંદર્યમાં મોટા ચબુતરા સાથે મોટું સ્મૃતિવન પણ ઉભું કરેલું છે. આ ચબૂતરો શિવાલય આકારનો બનાવામાં આવ્યો છે, જેની લંબાઈ 116 ફૂટ, ઊંચાઈ 43 ફૂટ અને પહોળાઈ 75 ફૂટ છે. 2,700 થી 3,000 નાના- મોટા માટલાઓ મૂકીને બનાવામાં આવ્યો છે. આ તમામ મટીરિયલ થાનગઢથી લાવવામાં આવ્યું છે. આ પંખીઘર પક્ષીઓને વરસાદ, તડકો કે કોઈ જાનવર થી નુકસાન ન થાય તે રીતે બનાવેલું છે. લાલગુરુ પક્ષીઘરનો 33 લાખ ખર્ચ અને સ્મૃતિવન મળી રૂપિયા 65 લાખ ખર્ચ થયો છે. ઉત્તર ગુજરાતમાં પ્રથમ નંબરે અને ગુજરાતમાં બીજા નંબરનો ચબૂતરો બનાવવામાં આવ્યો છે. આ સમગ્ર આયોજન ઘુમાસણ પાટીદાર પરિવાર વતી કરવામાં આવ્યું છે.