પાટણ : ભર ઉનાળામાં લીંબુના ભાવમાં અસામાન્ય વધારો થતાં મોટાભાગના લોકોએ લીંબુનો વપરાશ ઘટાડી દીધો છે. લીબુંના ભાવમાં એટલો વધારો થયો કે અસહ્ય મોંઘવારીમાં તેને તમામ રેકર્ડ તોડી નાંખ્યા છે. લીંબુના વધેલા ભાવ ગૃહીણીઓનાં બજેટ બગાડી શકે તે ખુબ જ સામાન્ય બાબત છે. પાટણના હારિજ તાલુકાના કોઠી ગામે ઉછીના આપેલા પાંચ લીંબુના મુદ્દે બે પાડોશીઓ વચ્ચે ઝગડો થયો હતો, અને પાંચ લીંબુ પરત મેળવવા માટે મારામારી શરૂ થઈ હતી. આ મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. પાલીસે ફરિયાદ નોંધીને બન્ને પરિવારોને શાંત પાડ્યા હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ પાટણ જિલ્લાના હારીજના કાઠી ગામમાં લીંબુને લઇને ફરિયાદ થઇ છે. હંસાબેન ઠાકોર નામની મહિલાનો આરોપ છે કે, તેમના પાડોશીએ ચાર -પાંચ લીંબુ માટે તેમને ઢોર માર માર્યો હતો. તેમના પાડોશીએ પહેલા આરોપ લગાવ્યો કે તમારી છોકરી મારા ઘરેથી લીંબુ લઇ ગઇ હતી. તે પાછા આપો. જો કે મહિલાએ જણાવ્યું કે, મારી દિકરી ક્યારે પણ તમારી પાસેથી લીંબુ લઇ નથી ગઇ તે પાછા કેમ આપીએ. આ મુદ્દે બંન્ને પાડોશીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. જેથી ઉશ્કેરાયેલી પાડોશી મહિલાએ પોતાના પતિને બોલાવ્યો હતો અને ત્યાર બાદ પતિ અને પત્નીએ મળીને હંસાબેન ઠાકોરને માર માર્યો હતો. આ પ્રકારે ચાર પાંચ લીંબુનો મુદ્દો લોહીયાળ બન્યો હતો. હાલ તો હારીજ પોલીસ સ્ટેશનમાં અનિતા ઠાકોર તેમજ શૈલેષ ઠાકોર (રહે. કાઠી ગામ) વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ થઇ છે. આમ લીંબુનો મુદ્દો હવે લોહીયાળ બન્યો છે. 200 થી 300 રૂપિયે કિલો મોંઘા લીંબુ હવે પરિવારો અને પાડોશીઓ વચ્ચે ઝગડાનું કારણ બની રહ્યા છે.