Site icon Revoi.in

અમદાવાદમાં ફાયર NOC વગરની 1800 બિલ્ડિંગના ચેરમેન-સેક્રેટરી સામે પોલીસ ફરિયાદ કરાશે

Social Share

અમદાવાદઃ શહેરમાં ઘણાબધા કોમર્શિયલ અને રેસિડેન્ટ બિલ્ડિંગોમાં ફાયરની સુવિધા નથી. મ્યુનિ.કોર્પોરેશનના ફાયર વિભાગ દ્વારા અવાર-નવાર નોટિસ પાઠવીને ફાયર એનઓસી લેવાની તાકિદ કરવા છતાં યે ફાયર એનઓસી લેવામાં આવતી નથી. આથી શહેરમાં જે બિલ્ડિંગ પાસે ફાયર એનઓસી નહીં હોય તેમની સામે ફોજદારી કાર્યવાહી કરવાનો મ્યુનિ.એ  નિર્ણય કર્યો છે. તાજેતરમાં મ્યુનિ. એ શહેરમાં તપાસ હાથ ધરી હતી જેમાં 1800 જેટલી કોમર્શિયલ, કોમર્શિયલ કમ રેસિડન્ટ અને રેસિડન્ટ હાઈરાઈઝ બિલ્ડિંગ્સ પાસે ફાયર એનઓસી નહીં હોવાનું સામે આવ્યું હતું. આ તમામ બિલ્ડિંગ્સને મ્યુનિ. એ લીગલ નોટિસ ફટકારવાની શરૂઆત કરી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરમાં  કુલ 1800 બિલ્ડિંગ પૈકી 80 જેટલી કોમર્શિયલ છે જ્યારે 1720 જેટલી બિલ્ડિંગ કોમર્શિયલ કમ રેસિડન્સ અને રેસિડન્સ કેટેગરીમાં આવે છે. આ બિલ્ડિંગ્સે એક વર્ષથી પાંચ વર્ષ સુધીના ગાળામાં ફાયર એનઓસી રિન્યુ કરાવી નથી. પ્રથમ તબક્કે શહેરમાં 15 મીટર કરતા ઉંચી કોમર્શિયલ હાઈરાઝ બિલ્ડિંગ્સ સામે એક્શન લેવાશે. શનિવારે 23 જેટલી હાઈરાઈઝ કોમર્શિયલ બિલ્ડિંગને નોટિસ ફટકારવામાં આવશે. છેલ્લી બે સુનાવણીમાં ગુજરાત હાઈકોર્ટે મ્યુનિ. ની કામગીરી બિરદાવી હતી, પરંતુ સાથેસાથે વધુ કાર્યવાહી કરવા પણ જણાવ્યું હતું. જેના પગલે મ્યુનિ. એ શહેરમાં ફાયર એનઓસી વગરની બિલ્ડિંગ્સનો ડેટા એકત્ર કર્યો હતો અને ત્વરીત પગલાં લેવાની શરૂઆત કરી છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં ફાયર એનઓસી ન હોય તેવી બિલ્ડિંગોના લીગલ નોટિસ પાઠવી છે. લીગલ નોટિસ મળ્યાના ત્રણ દિવસ સુધીમાં બિલ્ડિંગ સંચાલકો મ્યુનિ. ને સંતોષકારક જવાબ નહીં આપી શકે તો નોટિસનો અનાદર કર્યા સમાન ગણાશે. મ્યુનિ. પાસે ફાયર એનઓસી વગરની તમામ બિલ્ડિંગના પાણી અને ગટરનું કનેક્શન કાપવાની સત્તા છે. ફાયર એક્ટની કલમ 39 પ્રમાણે જે બિલ્ડિંગ્સ પાસે ફાયર એનઓસી નથી તેના ચેરમેન અને સેક્રેટરી સામે ફોજદારી કાર્યવાહી થઈ શકશે. કલમ 39 મુજબ મેટ્રોપોલિટન કોર્ટમાં ફરિયાદ થશે. ફાયર એક્ટના કાયદા મુજબ કસૂરવાર સામે એક મહિનાથી બે વર્ષ સુધીની સજા તેમજ 10 હજારથી એક લાખ રૂપિયા સુધીનો દંડ વસૂલવાની જોગવાઈ છે.

મ્યુનિ. ની તપાસમાં એવું ધ્યાને આવ્યું છે કે, કેટલીક હાઈરાઈઝ બિલ્ડિંગ્સમાં સભ્યો કો-ઓપરેટ કરતા નથી. એ કારણથી ફાયર એનઓસી લેવાની કામગીરી વિવાદમાં પડતી હોય છે. ફાયર એનઓસી લેવાની જવાબદારી ચેરમેન-સેક્રેટરીની સાથે સાથે સભ્યોની પણ છે તે હિસાબે સભ્યોએ પણ સજા ભોગવવા તૈયાર રહેવું પડશે.