અમદાવાદઃ ગુજરાતમાં લાંચ લેવાના બનાવો વધતા જાય છે. ઘણા જાગૃત નાગરિકો ફરિયાદ કરે ત્યારે લાંચના કેસ પકડાતા હોય છે. જ્યારે ઘણા લોકો માથાકૂટમાં પડ્યા વિના લાંચ આપી દેતા હોય છે. તેના લીધે લાંચ લેતા કર્મચારીઓની હિંમત વધતી હોય છે. રાજ્યમાં મહેસુલ અને ગૃહ વિભાગના કર્માચારીઓ લાંત લેતા વધુ પકડાતા હોય છે. ત્યારે અમદાવાદમાં એક પોલીસ કોન્સ્ટેબલ 4 હજારની લાંચ લેતા ACBના હાથે ઝડપાયો છે.
સરકારી તંત્રમાં ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા કરવામાં આવતાં ભ્રષ્ટાચારને ડામવા માટે લાંચ રુશ્વત બ્યુરો(ACB)ની રચના કરવામાં આવી છે. આવા ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓની સામે વૈજ્ઞાનિક પુરાવા મેળવી તેમને જેલના સળિયા પાછળ ધકેલી દેવા માટે એસીબીના ડાયરેક્ટરે આદેશ જારી કર્યો છે. ત્યારે અમદાવાદમાં એક પોલીસ કોન્સ્ટેબલ 4 હજારની લાંચ લેતા ACBના હાથે ઝડપાયો છે.
એસીબીના સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદના નારોલમાં કર્ણાવતી પોલીસ ચોકી ખાતે મારામારીની અરજી થઈ હતી. જેમાં અરજદારને લોકઅપમાં નહીં રાખવા તથા બારોબાર કોર્ટમાં રજૂ કરવા માટે સૌ પ્રથમ પોલીસ કોન્સ્ટેબલ નિર્મલસિંહ પરમારે 20 હજાર રૂપિયાની લાંચ માંગી હતી. ત્યાર બાદ લાંબી રકજકના અંતે ચાર હજારની માંગ કરી હતી. આ લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ના હોય તેથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો.એસીબીએ લાંચનું છટકું ગોઠવીને આરોપી પોલીસ કોન્સ્ટેબલ નિર્મલસિંહ પરમારને ફરિયાદી સાથે રૂબરૂ વાતચીત કરીને ચાર હજારની લાંત લેતા રંગેહાથ પકડી લીધો હતો. આરોપીને એ.સી.બી.એ ડીટેન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ACBએ નારોલમાં કર્ણાવતી પોલીસ ચોકીની અંદરથી જ લાંચિયા પોલીસ કોન્સ્ટેબલને ઝડપી લેતાં અન્ય કર્મચારીઓમાં પણ સોંપો પડી જવા પામ્યો છે.