ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે પાંચ મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે ચુંટણી પહેલા રાજ્યની તમામ જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોમાં વિકાસના કામોને લઈ સ્વભંડોળના ખર્ચ માટેની ખાસ અલગ નીતિ બનાવવાનો નિર્ણય ગુજરાત સરકાર કર્યો છે. તો બીજી તરફ રાજયના વિકાસ કમિશ્નરે સ્વભંડોળ ખર્ચ માટેની ખાસ નીતિ તૈયાર કરવાની કવાયત શરૂ કરી છે. જે આ મહિનાના અંત સુધીમાં તૈયાર કરી દેવામાં આવશે અને ત્યારબાદ તેના કડક અમલીકરણ માટેની સ્પષ્ટ સૂચનાઓ જારી કરવામાં આવશે,
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોમાં વિકાસના કામો માટે વપરાતા સ્વભંડોળની હાલની સ્થિતિ ચિંતાનો વિષય બની છે તો બીજી તરફ આવી રહેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓના લીધે પંચાયત બોર્ડના સભ્ય દ્વારા આડેધડ કામો સૂચવવામાં આવી રહ્યા છે, ત્યારે ગ્રાન્ટનો યોગ્ય સદઉપયોગ થાય તેમજ ગામડાઓમાં વિકાસના ચોક્કસ કામો હાથ ધરાય તે માટેનું આયોજન કરવામાં આવશે. પંચાયતો માટે સ્વભંડોળ અંગેની અલગ ચોક્કસ નીતિ તૈયાર કરવામાં આવી રહી છે. અને આ માટે વિકાસ કમિશનર દ્વારા ખાસ કમિટીની રચના કરવામાં આવી છે. કમિટી સ્વભંડોળ ખર્ચ માટે બની રહેલી અલગ નીતિ અંગે બે સપ્તાહમાં અભિપ્રાય વિકાસ કમિશનરને સુપ્રત કરશે અને ત્યારબાદ તબક્કાવાર બેઠકો યોજાશે
સૂત્રોએ ઉમેર્યું હતું કે, ચૂંટણી વર્ષના કારણે જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોના સભ્યોને ખુશ કરવા ઉપરાંત તેમના વિસ્તારોના વિકાસના કામો હાથ ધરવા સ્વભંડોળની રકમ છુટા હાથે ફાળવવામાં આવતી હોવાનું સરકારના ધ્યાને આવ્યું છે, ત્યારે આ પરિસ્થિતિને પારખી જનતાના સેવકો વિકાસના નામે કોઈ કૌભાંડ કરે નહીં તે માટે પંચાયતોના સ્વભંડોળમાં ખર્ચ માટે અલગ નીતિ બનાવવાનું સરકારે નક્કી કર્યું છે જેના ભાગરૂપે આ કવાયત શરૂ થઈ કરવામાં આવી છે.