અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસ વધતા જાય છે. હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓ માટે ઓક્સિજનની અછત વર્તાઈ રહી છે. એવામાં કોવિડ-19ના હોમ ક્વોરન્ટાઈન રહેલા દર્દીઓ માટે લાયન્સ ડિસ્ટ્રિક્ટ 3232એ પોર્ટેબલ ઓક્સિજન મશીન બેંક લોન્ચ કરી છે.
કોરોનાના દર્દીઓ માટે હોસ્પિટલમાં ખાલી બેડ શોધવા તે પણ મોટો પડકાર બની ગયો છે. એવામાં ઘરમાં જ સારવાર લઈ રહેલા ગંભીર દર્દીઓ માટે આ ઉમદા પ્રોજેક્ટ ઘણો મદદરૂપ થશે. આ શરૂઆતના ભાગ રૂપે દર્દીને ઘરે સારવાર માટે 5 અને 10 લીટરના પોર્ટેબલ ઓક્સિજન મશીન આપવામાં આવશે.
કોરોનાના વધતા કેસોની વચ્ચે ગંભીર બીમારી ધરાવતા દર્દીઓનો બેડ ન મળવા પર ઘરમાં જ પોર્ટેબલ ઓક્સિજન મશીન મળવાથી લાભ થશે. કોરોનાની મહામારી દરમિયાન પણ લાયન્સ ક્લબ દ્વારા ઘણા સેવાના કાર્યો કરવામાં આવ્યા હતા. જેમાંથી એક આ પોર્ટેબલ ઓક્સિજન મશીન પણ છે. હાલમાં ક્લબને અમદાવાદના સેન્ટર માટે આવા 50 મશીનો માટે દાનની રકમ મળી છે.
ક્લબ આગામી સમયમાં મશીનની સંખ્યા વધારીને 1000 કરવા માટે પ્રયાસ કરી રહ્યું છે. આ ઓક્સિજનનું સંચાલન લાયન્સ કર્ણાવતી શાંતાબેન વિષ્ણુભાઈ આઈ હોસ્પિટલ દ્વારા કરવામાં આવશે.