Site icon Revoi.in

અમદાવાદના SVP એરપોર્ટ પર પ્રવાસીઓ માટે પ્રિ-પેઈડ ઓટો ટેક્સી સેવા શરૂ કરાઈ

Social Share

અમદાવાદઃ શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ તેમજ ડોમેસ્ટિક ટર્મિનલ અરાઈવલ એરિયામાં પ્રવાસીઓની સુવિધા માટે ટ્રાન્સપોર્ટ ઓપ્શન્સ ઝોન શરૂ કરાયો છે. જ્યાંથી પેસેન્જરોને પ્રીપેડ ઓટો, પ્રીપેડ ટેક્સી, રેન્ટ પર કાર સહિતના પરિવહન વિકલ્પો હવે ઉપલબ્ધ છે. આ પ્રકારની વ્યવસ્થાનો હેતુ બહારથી આવતા પેસેન્જરોને ઓટો અને ટેક્સી માટે રાહ જોવી ન પડે તેમજ વિશ્વસનીય સેવાઓ મળી રહે તે માટેનો છે.

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટીક એરપોર્ટ પર પ્રવાસીઓને ટેક્સી સેવા માટે ખૂબ અગવડ પડતી હતી. કારણ કે પાર્કિંગના વધુ ચાર્જને લીધે ટેક્સીચાલકો એરપોર્ટથી દુર એટલે કે પાર્કિંગ પ્લેસની બહાર ટેક્સીઓ ઊભી રાખતા હતા. અને પ્રવાસીઓને લગેજ સાથે ચાલતા જવું પડતું હતું. હવે પ્રવાસીઓને એરપોર્ટ પરથી પ્રિ-પેઈડ ટેક્સીના સેવા મળી રહેશે. જેના માટે ડોમેસ્ટિક ટર્મિનલના અરાઈવલ એરિયામાં વિવિધ કાઉન્ટર્સ ઊભા કરવામાં આવ્યા છે. અહીં મુસાફરોને પ્રીપેડ ટેક્સી, પ્રી-પેઈડ ઓટો અથવા અન્ય પરિવહન વિકલ્પો પૂરા પાડવામાં આવે છે. મુસાફરોના આગમન એરિયામાં અંદર અને બહાર તેના કાઉન્ટર ઉપલબ્ધ છે. હવે SVPI એરપોર્ટ અમદાવાદથી મુસાફરોના ગંતવ્ય સ્થાનો સુધી મુસાફરી માટે પરિવહન વિકલ્પો અને સુવિધાઓ ઉપલબ્ધ છે.

સૂત્રોએ જણાવ્યુ હતું કે,અમદાવાદ એરપોર્ટ પરથી આ સેવાઓ શહેરના દરેક ખૂણે કનેક્ટિવટી પૂરી પાડશે. મુસાફરો ઉપલબ્ધ વિકલ્પમાંથી તેમને અનુકૂળ અને આરામદાયક વિકલ્પ પસંદ કરી શકે છે. એપ્લિકેશન આધારિત ટેક્સી સેવાઓ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચલાવવામાં આવતી બસ પરિવહન સેવાનો વિકલ્પ પણ મુસાફરો માટે ઉપલબ્ધ છે.