અંબાજીઃ યાત્રાધામ અંબાજી ખાતે શ્રી શંભુ પંચ દશનામ આવાહન અખાડા દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં સાધુ સંતો, નાગા બાવાઓ સહિતના ધર્મ પ્રેમી જનતા જોડાઈ હતી. ભવ્ય શોભાયાત્રામાં સાધુ સંતો અને નાગાબાવાઓ વિશાળ સંખ્યામાં હાથોમાં ધજાઓ લઈને નાચતા ગાતા અને હર હર ભોલેના નાદ સાથે અંબાજીના ગામમાં ઉત્સાહપૂર્વક શોભાયાત્રા કાઢવામાં આવી હતી. શોભાયાત્રા બાદ તમામ સાધુ સંતો અને નાગાબાવાઓ અંબાજી નજીક આવેલા કોટેશ્વર ધામમાં શાહી સ્નાન માટે પહોંચ્યા હતા. ભવ્ય શોભાયાત્રાની ઝલક જોવા માટે અંબાજીના ગ્રામજનો ઉમટી પડ્યા હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ અંબાજી ખાતે માનસરોવર નજીક આવેલા શ્રી શંભુ પંચ દશનામ આવાહન અખાડાની ધુણી ખાતે મોટી સંખ્યામાં સાધુ સંતો ઉત્તરાયણના દિવસે આવે છે. અંબાજી નજીક આવેલા કોટેશ્વર ખાતે પવિત્ર સરસ્વતી નદીમાં શાહી સ્નાન ઉત્તરાયણના બીજા દિવસે કરે છે. તેનાજ ભાગરૂપે રવિવારે સાધુ સંતોએ ભારે ઉત્સાહ સાથે શાહી સ્નાન કર્યું હતું. અંબાજીથી કોટેશ્વર જતા આ સાધુ સંતો દ્વારા એક વિશાળ શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અખાડાના સંતો દ્વારા નૃત્ય કરી વિભિન કૃતિયો અને જાખી આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ કૃતિઓને નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. વિશાળ સંખ્યામાં આવેલા સાધુ સંતો અને નાગાબાવાઓ દ્વારા કાઢેલી ભવ્ય શોભાયાત્રા અને લઈ મીની મહાકુંભ જેવા દૃશ્યો સર્જાયા હતા.
સૂત્રોએ ઉમેર્યું હતું કે. ઉત્તરાણના પર્વ નિમિત્તે શનિ-રવિની બે દિવસની રજાઓને લીધે યાત્રાળુઓ પણ મા અંબાજીના દર્શને મોટી સંખ્યામાં આવ્યા હતા. યાત્રાળુઓ પણ શોભાયાત્રાની ઝલક જોવા ઉમટી પડ્યા હતા.