Site icon Revoi.in

અમદાવાદની L C મહેતા કોલેજમાં પ્રાફેસરએ 6 વર્ષ જુના કોર્ષનું પેપર કાઢતા હોબાળો

Social Share

અમદાવાદઃ શહેરના લાલદરવાજા વિસ્તારમાં આવેલી એલ. સી. મહેતા કોલેજમાં બીએ સેમેસ્ટર 5ના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સમાજશાસ્ત્રની આંતરિક પરીક્ષામાં જુના કોર્ષનું પ્રશ્નપત્ર અપાતા વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો. બીએના સમાજશાસ્ત્રના પ્રોફેસરે 6 વર્ષ જૂના અભ્યાસક્રમમાંથી પેપર કાઢ્યું હતુ. વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે, પ્રોફેસર 3.25 લાખ રૂપિયા પગાર લે છે, પરંતુ તે નિયમિત કોલેજ આવતા નથી અને અમને ભણાવતા પણ નથી. પરીક્ષામાં પણ પ્રોફેસરે જુના કોર્સ પેપર કાઢીને લાપરવાહી દાખવી હતી.

આ બનાવની વિગત એવી છે કે, શહેરના લાલદરવાજામાં આવેલા સિટી કેમ્પસમાં એલ. સી. મહેતા કોલેજમાં કોલેજની આંતરિક પરીક્ષા ચાલી રહી હતી. જેમાં સમાજશાસ્ત્ર વિષયનું 36 નંબરનું પેપર હતું, પરંતુ તે વિષયના પ્રોફેસરએ છ વર્ષ જુના કોર્સનું પેપર કાઢ્યું હતું. સેમેસ્ટર 5ના વિદ્યાર્થીઓ જ્યારે પરીક્ષા માટે બેઠા ત્યારે તેમણે જે અભ્યાસ કર્યો હતો તેનાથી પેપર તદ્દન અલગ હતું, જેને લઇને વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો હતો. દરમિયાન વિદ્યાર્થીઓએ અને NSUI સાથે મળીને કોલેજના પ્રિન્સિપલને આ અંગે રજૂઆત કરી હતી. જોકે, પ્રિન્સિપાલે પણ આ અંગે પ્રોફેસરની શરતચૂકથી ભૂલ થઈ હોવાનું સ્વીકાર્યું હતું.

વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો હતો કે,  જૂના કોર્ષનું આખું પેપર પૂછવામાં આવ્યું હતું. પ્રોફેસર 3.25 લાખ પગાર લે છે. પ્રોફેસર અમને ભણાવવા આવતા નથી. અમને જૂના કોર્સનું પેપર કાઢીને દબાણ કરવામાં છે અને કેવી રીતે જૂના કોર્ષનું પેપર લખી શકીએ.