Site icon Revoi.in

રાજકોટના બન્ને જળાશયોમાં સપાટી ઘટતા નર્મદા નીર ઠાલવવા સરકારને રજુઆત

Social Share

રાજકોટઃ ચોમાસાની વિદાય અને શિયાળાના આગમનને હજુ એક મહિનો પણ થયો નથી ત્યાં રાજકોટ શહેરને પાણી પુરૂ પાડતા આજી અને ન્યારી ડેમની જળસપાટીમાં ઘટાડો થયો છે. જેમાં આજી ડેમમાં માત્ર બે મહિના ચાલે એટલું જ પાણી છે. જ્યારે ન્યારી ડેમમાં ચાર મહિના ચાલે એટલો જ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. એટલે આગામી દિવસોમાં પાણીની વિકટ સમસ્યા ઊભી થાય તે પહેલા જ રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધિશોએ નર્મદાના નીર આજી અને ન્યારી ડેમમાં ઠાલવવા માટે રાજ્ય સરકારને રજુઆત કરી છે.

રાજકોટ શહેરની વસ્તીમાં સતત વધારો થતાં પાણીના વપરાશમાં પણ વધારો થતો જાય છે. જેની સામે મુખ્ય જળસ્ત્રોત માત્ર આજી અને ન્યારી એમ બે જ છે. આ કારણે નર્મદાનાં નીર ઉપર આધાર રાખવો પડે છે. ચોમાસામાં આજી અને ન્યારી ડેમ છલકાઈ ગયા હતા. છતાં હાલમાં ભરશિયાળે નર્મદાનાં નીરની માંગ કરવામાં આવી છે. જે રીતે પાણીનો ઉપાડ થઈ રહ્યો છે તે જોતા 2025નાં જાન્યુઆરીમાં આજી અને માર્ચમાં ન્યારી ડૂકી જવાની શક્યતા છે. જેને લઈને મ્યુનિ.કોર્પોરેશન દ્વારા અત્યારથી 2500 MCFT પાણી આપવા રાજ્ય સરકારને પત્ર પાઠવી માંગ કરવામાં આવી છે.

રાજકોટ મ્યુનિના ડે. કમિશ્નર સ્વપ્નિલ ખરેનાં જણાવ્યા મુજબ શહેરમાં પાણીની માગને પહોંચી વળવા માટે દરરોજ 420 MLD પાણીનો ઉપાડ કરવામાં આવે છે. જેમાં આજી અને ન્યારી-1 ડેમમાંથી 290 MLD તેમજ 130 MLDનો ઉપાડ નર્મદા આધારિત પાઇપલાઇનમાંથી કરવામાં આવે છે. જોકે, ચોમાસા સિવાય આજી અને ન્યારી-1 ડેમનો આધાર પણ નર્મદા ઉપર રહે છે. હાલ પાણીની કોઈ સમસ્યા નથી. નર્મદાનું પાણી આપવામાં ન આવે તો જાન્યુઆરી અને માર્ચ સુધી આજી અને ન્યારી-1નું પાણી લઈ શકાય તેમ છે. આમ છતાં સાવચેતીનાં ભાગરૂપે રાજ્યના સિંચાઈ વિભાગને પત્ર લખીને નર્મદાનું પાણી આપવા વિનંતી કરી છે. જો સમયસર નર્મદાનું પાણી આપવામાં આવે તો આવતા વર્ષે નર્મદાની લાઈનમાં મેઈન્ટેનન્સનું કામ ચાલતું હોય ત્યારે પણ રાજકોટવાસીઓને મુશ્કેલી પડે નહીં. હાલ આજી ડેમમાં 31 જાન્યુઆરી, 2025 સુધી ચાલે તેટલો પાણીનો જથ્થો છે. જ્યારે ન્યારી ડેમમાં 31 માર્ચ 2025 સુધી ચાલે તેટલું પાણી છે. એટલે કે અજીમાં 901 MCFT અને ન્યારીમાં 1248 MCFT પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.