- AMCની સ્ટેન્ડિંગ કમિટી મંજુરી આપશે તો 500 દુકાનો-મકાનોની કપાત થશે,
- મેટ્રો પ્રોજેકટને કારણે રોડ નાનો થઈ જતા ટ્રાફિક સમસ્યા વકરશે
- રોડને 36 મીટર પહોળો કરવાની દરખાસ્ત
અમદાવાદઃ શહેરમાં થલતેજ વિસ્તારમાં એક્રોપોલીસ મોલના મેટ્રો સ્ટેશનથી ગામ સુધી મેટ્રો રૂટ્સને લંબાવવા માટે રોજ સાઈડ પરની મિલ્કતોને કપાત કરવાની નોબત આવી છે. જેમાં 500થી વધુ દુકાનો અને કેટલીક મિલ્કતોની કપાત કરવી પડશે. મેટ્રોને કારણે રોડ નાનો થઈ જશે. આથી થલતેજ મેટ્રો સ્ટેશનથી લઈ ગામ સુધીના રોડને 46 મીટર પહોળો કરવા અંગેનો નિર્ણય આજે મળનારી સ્ટેન્ડિંગ કમિટીમાં લેવામાં આવશે.
અમદાવાદમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ અંતર્ગત પૂર્વ અને પશ્ચિમ કોરિડોરમાં વસ્ત્રાલથી થલતેજ ગામ સુધીનો રેલ પ્રોજેક્ટ મૂકવામાં આવ્યો હતો. જો કે, થલતેજ ગામ સુધી મેટ્રો રેલ પ્રોજેક્ટ લઈ જવા માટે થલતેજ ચાર રસ્તાથી લઈને ગામ સુધી અનેક મિલકતો કપાતમાં જતી હતી. જેનું જમીન સંપાદન કરવા અંગે સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. સ્થાનિક લોકોના વિરોધના કારણે થલતેજ ચાર રસ્તા સુધી જ મેટ્રો રેલની શરૂઆત કરવામાં આવી હતી. જો કે, ત્યારબાદ થલતેજ ગામ તરફ જવાના રોડ ઉપર મેટ્રો રેલ પ્રોજેક્ટ અંતર્ગત લાઈન નાખવામાં આવી અને ગામ સુધી લઈ જવામાં આવી છે. મેટ્રો રેલના કારણે એસજી હાઇવેથી થલતેજ ગામ જવાનો રોડ ખૂબ જ સાંકડો થઈ ગયો છે. જેના કારણે અવર-જવરમાં ખૂબ જ તકલીફ પડે છે. જેથી જે રોડને 36 મીટર સુધી પહોળો કરવા અંગેની દરખાસ્ત લાવવામાં આવી છે. જો સ્ટેન્ડિંગ કમિટી દ્વારા રોડ લાઈનને મંજૂરી આપવામાં આવશે તો 500થી વધુ દુકાનો અને મકાનોને અસર થશે. હાલમાં 40થી 60 મીટરનો રોડ છે જે ખૂબ જ સાંકડો છે અને વાહનોને અવર-જવરમાં પણ તકલીફ પડે છે. વર્ષો જૂની મિલકતોને તોડીને રોડ પહોળો કરવામાં આવી શકે છે. રાજ્ય સરકારના નિયમ પ્રમાણે અસરગ્રસ્તોને વળતર પણ આપવા આવનાર છે. થલતેજ ગામના રહીશો પાસેથી સૂચનો પણ મગાવવામાં આવ્યા હતા. જેને ધ્યાનમાં લઈ આજે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા નિર્ણય લેવામાં આવી શકે છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા થલતેજ એક્રોપોલીસ મોલથી લઈ ગામ સુધીના રોડ લાઈનને પ્રિસબ્સ્ક્રાઇબ કરી કપાત લાવવા માટે થલતેજ ગામના રહીશો પાસેથી વાંધા સુચનો મગાવવામાં આવ્યા હતા. જેમાં 200થી વધુ વાંધા સૂચનો મળ્યા હતા. રોડને પહોળો કરવા માટે 500થી વધુ દુકાનો અને મકાનોને અસર થાય તેમ છે. બેથી ત્રણ ફ્લેટ પણ આખા તૂટી જાય તેમ છે. મિલકત કપાતના બદલામાં વળતર આપવાનો પણ નિર્ણય કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યો હતો. જેને લઈને કેટલાક સ્થાનિક રહીશો દ્વારા વાંધા સૂચનમાં વિરોધ કરાયો હતો તો કેટલાકે મિલકત કપાત માટે તૈયારી દર્શાવી હતી. જેના પગલે હવે વાંધા સુચનોને ધ્યાનમાં લઈ 36 મીટરનો રોડ પહોળો કરવા અંગેનો નિર્ણય આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં લેવામાં આવશે.