Site icon Revoi.in

ગાંધીનગરમાં સરકારી આવાસ ભાડે આપનારા સામે ઝૂંબેશ, મંત્રીના PA સહિત 11 કર્મચારીઓ પકડાયા

Social Share

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં ઘણાબધા કર્મચારીઓને સરકારી આવાસ મળતા નથી તેથી આવા કર્મચારીઓ સરકારી ક્વાટર્સ મળે તેની વર્ષોથી રાહ જોઈ રહ્યા છે, જ્યારે બીજીબાજુ કેટલાક એવા કર્મચારીઓ છે, કે તેમને જરૂર ન હોવા છતાં સરકારી ક્વાટર્સ મેળવીને ભાડે આપી દીધા છે. આથી સરકારી આવાસો ભાડે આપનારા કર્મચારીઓનાં મકાનો પર પાટનગર યોજના વિભાગે સર્ચ હાથ ધર્યું હતું, જેમાં 10 જેટલી ટીમોએ સવારે 7 વાગ્યે જ સેક્ટર-6 ખાતે આવેલા વીર ભગતસિંહ નગરમાં તપાસ કરી હતી.. 10 ટીમે 4 કલાક સુધી 500થી વધુ સરકારી આવાસમાં ચેકિંગ કરીને 11 પેટા ભાડુતોને ઝડપ્યા હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગરમાં અનેક સરકારી કર્મચારીઓને ક્વાટર્સ મળતા નથી. અને બીજા ઘણા કર્મચારીઓ જરૂર નહોવા છતાં સરકારી ક્વાટર્સ મેળવીને વધુ ભાડે ખાનગી વ્યક્તિઓને આપી દેતા હોય છે. આથી પાટનગર યોજના વિભાગના અધિકારીઓએ સેક્ટર-6માં વીર ભગતસિંહનગરમાં તપાસ હાથ ધરી હતી. જેમાં 11 જેટલા સરકારી ક્વાટર્સમાં ભાડુઆતો રહેતા હતા. સેક્ટર-6માં ચાલતી ચર્ચા મુજબ જે કર્મચારીઓએ ભાડે ક્વાટર્સ આપી દીધા હતા જેમાં  એક કૅબિનેટ મંત્રીના પીએ, તેમજ મુખ્યમંત્રીના સિક્યુરિટીમાં સુરક્ષા શાખાના પીઆઈનો પણ સમાવેશ થાય છે, જેમાં મંત્રીના પીએએ મિત્રને જ્યારે પીઆઈએ સગાંને મકાન ભાડે આપ્યા હતા. એક તરફ હજારો સરકારી કર્મચારીઓ મકાન માટે વેઈટિંગમાં છે ત્યારે કેટલાક લોકો આ પ્રકારે મકાનની જરૂરિયાત ન હોવા છતાં મકાન લઈને ભાડે ચઢાવી દે છે. જેને પગલે તંત્ર દ્વારા જરૂરિયાત ન હોય તેવા આવાસો ખાલી કરી દેવા માટે પણ તાકીદ કરી છે. પાટનગર યોજના વિભાગ દ્વારા આગામી સમયે પણ આ પ્રકારે કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગાંધીનગરમાં સેક્ટર-6 ખાતે આવેલા બી અને સી કક્ષાના 560 આવાસોનું 10 મહિના પહેલાં લોકાર્પણ કરાયું હતું. ત્યાર બાદ એક પછી એક કર્મચારીઓને આવાસો ફાળવવામાં આવ્યા હતા. ત્યારે હજુ પણ અહીં 30 જેટલા આવાસ ખાલી હોવાનું કહેવાય છે. ત્યારે લાંબા વેઈટિંગ વચ્ચે આટલા આવાસ કેમ ખાલી છે તે એક સવાલ છે. ત્યારે મળેલી માહિતી મુજબ આ ખાલી આવાસો મંત્રીઓની ભલામણની રાહ જોતા હોવાનું ચર્ચાય છે.