ગાંધીનગરઃ પાટનગર એવા ગાંધીનગર શહેરની આરટીઓ કચેરીમાં હવે મોટાભાગની સેવા ઓનલાઈન થઈ ગઈ છે. લોકોને ઘેરબેઠા જ સેવા મળી રહે તે માટે ઓનલાઈન કામગારી કરવામાં આવી રહી છે. પરંતુ ઘણા સિનિયર સિટીઝન્સ હજુ પણ આરટીઓ કચેરીએ આવીને મેન્યુઅલી કામગીરીનો આગ્રહ રાખતા હોય છે. કારણ કે તેમને ઓનલાઈન કામગીરીની સમજ પડતી નથી. આથી આવા સિનિયર સિટીઝન્સ માટે ગાંધીનગરની આટીઓ કચેરીમાં જનસેવા કેન્દ્ર કાર્યરત કરવામાં આવ્યું છે. જ્યાં કર્મચારીઓ વડિલોને ઓનલાઈન એપ્લિકેશન સહિતની કામગીરી કરી આપશે.
આરટીઓ કચેરીના સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગરની આરટીઓ કચેરીમાં જન સેવા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. તેમાં બપોરે 3થી 5 કલાક સુધી સિનિયર સીટીઝનોને વાહન-4 અને સારથી-4 સબંધિત આરટીઓની ઓનલાઇન એપ્લિકેશન સહિતની કામગીરી કરી આપવામાં આવશે. છેલ્લા પાંચેક વર્ષથી રાજ્યના વાહન વ્યવહાર વિભાગ દ્વારા તમામ પ્રકારની કામગીરી ઓનલાઇન કરવામાં આવી છે. તેમાં વાહનોના રજિસ્ટ્રેશન, લાયસન્સ, લર્નિંગ લાયસન્સ, લાયસન્સ ટેસ્ટ, રિન્યુઅલ, પાસિંગ સહિતની તમામ કામગીરી ઓનલાઇન કરી દેવામાં આવી છે. જોકે વાહન વ્યવહાર વિભાગની આરટીઓને લગતી તમામ કામગીરીને ઓનલાઇન કરીને પારદર્શક વહિવટ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આરટીઓને લગતી ઓનલાઇનની કામગીરી માટે સિનિયર સીટીઝન અરજદારોની હાલત કફોડી બની રહે છે. તેમાંય આરટીઓને લગતી કામગીરી ઓનલાઇન કરાવવા માટે અહીં તહીં ભટકવું પડવું હોવાથી હાલાકી વેઠવાની ફરજ પડી રહી છે. ત્યારે સિનિયર સિટીઝન અરજદારોને આરટીઓને લગતી તમામ ઓનલાઇન કામગીરી માટે રખડવું પડે નહી તે માટે જિલ્લાની એઆરટીઓ કચેરી ખાતે સિનિયર સીટીઝન અરજદારો માટે જનસેવા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. તેમાં સિનિયર સીટીઝન અરજદારોને દરરોજ બપોરે 3થી 5 કલાક દરમિયાન વાહન-4 અને સારથી-4માં એપ્લિકેશન સહિતની કામગીરી કરી આપવામાં આવશે.