- પ્રતંબિધિત દવાનો જથ્થો સાઉથ આફ્રિકા મોકલાયો હતો,
- આફ્રિકા પહોંચેલા ચાર કન્ટેઈનરોને કસ્ટમની સુચનાથી પરત મોકલાયા
- ઊંઘ ન આવે તે માટે થાય છે, દવાનો ઉપયોગ
ભૂજઃ કચ્છના મુન્દ્રા પોર્ટ પરથી પ્રતિબંધિત દવાનો મોટો જથ્થો પકડાયો છે. જેની બજાર કિંમત 110 કરોડ રૂપિયા થવા જાય છે. પ્રતિબંધિત દવાનો આ જથ્થો સાઉથ આફ્રિકામાં મોકલવામાં આવ્યો હતો, સાત કન્ટેનરો સાઉથ આફ્રિકા માટે નિકાસ કરવાના હતા. એમાં 4 કન્ટેઈનરો આફ્રિકા રવાના કરી દીધા હતા. અને તે સમયે ત્રણ કન્ટેઈનરો કસ્ટમ વિભાગે જપ્ત કર્યા હતા. અને સાઉથ આફ્રિકા પહોંચેલા 4 કન્ટેઈનરોને પરત મોકલવા કસ્ટમ વિભાગે લેખિત જાણ કરતાં ચારેય કન્ટેઈનરો મુન્દ્રા બંદરે પરત ફર્યા હતા. જેમાં તપાસ કરવામાં આવતા 110 કરોડની કિંમતનો પ્રતિબંધિત દવાનો જથ્થો મળી આવતા કસ્ટમ વિભાગે કન્ટેઈનરો જપ્ત કર્યા હતા. કસ્ટમ વિભાગ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
કસ્ટમ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટના એક એક્સપોર્ટર દ્વારા જુલાઈ મહિનાના અંતમાં સાત કન્ટેનરો સાઉથ આફ્રિકા માટે નિકાસ કર્યા હતા. જોકે મુન્દ્રા કસ્ટમના સ્પેશિયલ ઇન્ટેલિજન્સ યુનિટના અધિકારીઓને માહિતી મળી જતા તે સમયે ત્રણ કન્ટેનરો જપ્ત કર્યા હતા. જેમાં 100 કરોડની પ્રતિબંધિત ટેબલેટો મળી આવી હતી આ કેસની તપાસ ચાલુ રાખવામાં આવતા કસ્ટમને એવી માહિતી મળી હતી કે, અગાઉ ચાર કન્ટેનરો સાઉથ આફ્રિકામાં દરિયાઈ માર્ગે જવા માટે નીકળી ગયા છે, આથી કસ્ટમ વિભાગે સાઉથ આફ્રિકાના પોર્ટનો સંપર્ક કરીને ચાર કન્ટેનરો પરત મોકલવા લેખિતમાં જાણ કરી હતી. આ ચાર કન્ટેનરો મુન્દ્રા કસ્ટમમાં પરત આવતા કસ્ટમ વિભાગે ચાર કન્ટેનરમાંથી પ્રતિબંધિત દવાઓ જપ્ત કર્યો છે. જેની ઇન્ટરનેશનલ માર્કેટમાં કિંમત 110 કરોડ થવા માટે જાય છે. અત્યાર સુધીમાં અંદાજે 210 કરોડની પ્રતિબંધિત દવાઓ કસ્ટમ વિભાગે જપ્ત કરી છે.
કસ્ટમ વિભાગના સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, આ કેસની તપાસ હજુ ચાલી રહી છે અને કસ્ટમ વિભાગે ગાંધીધામ, રાજકોટ અને ગાંધીનગરમાં દરોડાની કાર્યવાહી હાથ ધરીને મોટી માત્રામાં વાંધાજનક દસ્તાવેજો જપ્ત કર્યા છે. આ પ્રતિબંધિત ટેબલેટ નાર્કોટિક્સ એક્ટમાં આવતી હોવાથી એક્સપોર્ટ કરી શકાતી નથી. તેમ છતાં અન્ય દવાઓના નામના ડેકલેરેશન કરીને પ્રતિબંધિત દવાઓ એક્સપોર્ટ કરવામાં આવતી હતી. કહેવાય છે કે, આ દવાઓનો ઉપયોગ સાઉથ આફ્રિકાના જંગલોના રક્ષણ માટે ફરજ બજાવતા કમાન્ડો ઉપયોગ કરતા હોય છે જેના કારણે એ લોકોની ફિટનેસ સારી રહે છે અને લાંબા સમય સુધી કામ કરી શકે છે તેમ જ તેઓને ઊંઘ આવતી નથી. આ દવાઓનો ઉપયોગ આતંકવાદી સંગઠનો પણ કરતા હોય છે. કસ્ટમ વિભાગને આશંકા છે કે, અત્યાર સુધીમાં 500 કરોડની પ્રતિબંધિત દવાઓ દરિયાઈ માર્ગે સાઉથ આફ્રિકા પહોંચી ગઈ છે આ પ્રતિબંધિત દવાઓ સાઉથ આફ્રિકામાં કોને આપવામાં આવતી હતી અને તેના પેમેન્ટ પણ કેવી રીતે લેવામાં આવતા હતા તેની તપાસ ચાલી રહી છે. જો કે સમગ્ર તપાસમાં હવાલા કૌભાંડ પણ બહાર આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. હાલ કોઈની ધરપકડ કરાઈ નથી તેમ છતાં નજીકના દિવસોમાં ધરપકડ કરવામાં આવે તેવી શક્યતાઓ છે. (પ્રતિકાત્મક તસવીર)