જખૌ નજીકથી ફરી એકવાર બિનવારસી હાલતમાં ચરસનો જથ્થો ઝડપાયો
અમદાવાદઃ ગુજરાત પડોશી દેશ પાકિસ્તાન સાથે જમીન અને દરિયાઈ માર્ગે જોડાયેલો છે. દરમિયાન પાકિસ્તાનમાં બેઠેલા ડ્રગ્સ માફિયાઓ દેશમાં ડ્રગ્સ ઘુસણખોરી માટે નવી-નવી તરકીબ અજમાવી રહ્યાં છે, ડ્રગ્સ માફિયાઓ દરિયા મારફતે નશીલા દ્રવ્યો ઘુસાડવાના પ્રયાસ કરતી હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ કચ્છની સરહદ પાસે આવેલા જખૌ પાસેથી અવાર-નવાર નશીલાદ્રવ્યો બિનવારસી હાલતમાં મળી આવે છે. દરમિયાન જખૌના ઈબ્રાહિમ પીર બેટ પાસેથી ચરસનું પેકેટ મળી આવ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર જખૌ સરહદ ઉપર બીએસએફના જવાનો પેટ્રોલીંગ કરી રહ્યાં હતા. દરમિયાન ઈબ્રાહિમ પીર બેટ પાસેથી ચરસનું પેકેટ મળી આવતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. આ પેકેટ ઉપર ‘અરેબિકા પ્રીમિયમ ઇગોઇસ્ટ કૈફે વેલ્વેટ’નું લખાણ હતું. આ ચરસનું પેકેટ પાકિસ્તાનથી દરિયાઈના મોજા દ્વારા ભારતીય કિનારે પહોંચ્યું હોવાનું મનાય છે. રિકવરી બાદ BSF દ્વારા દરિયાકાંઠાના વિસ્તારમાં મોટાપાયે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. બીએસએફના જવાનોએ ચરસનો જથ્થો જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, BSF અને અન્ય કાયદા અમલીકરણ એજન્સીઓ દ્વારા જખૌ બીચ અને ખાડી વિસ્તારમાંથી ચરસના 108 પેકેટ ગયા વર્ષે જપ્ત કર્યા હતા. આ અગાઉ પણ BSFને કચ્છની દરિયાઈ સરહદેથી બિનવારસાહી હાલતમાં ચરસનું પેકેટ મળ્યું હતું. તેમજ અગાઉ ડ્રગ્સના નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો. તેમજ અનેક આરોપીઓને ઝડપી લેવામાં આવ્યાં હતા. ભારતીય સુરક્ષા એજન્સીઓએ ડ્રગ્સના દુષણને ડામવા માટે ઓપરેશન હાથ ધર્યું છે.