પાલનપુરઃ બનાસકાંઠાના થરાદમાં એક ખાનગી પેપર કતરણ કરતાં કારખાનામાંથી ધોરણ 2, 3, 5, 6, 7, 8 અને 10ના પુસ્તકોનો જથ્થો પસ્તીમાં મળી આવ્યો હતો. સરકારી શાળાઓના બાળકોને મફતમાં અપાતા નવા નક્કોર પાઠ્ય પુસ્તકોનો જથ્થો પસ્તીમાં મળી આવતા જિલ્લાનું શિક્ષણ વિભાગ પણ દોડતું થયું છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના આદેશથી તાલુકા શિક્ષણ અધિકારી અને બીઆરસી કો-ઓર્ડીનેટર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને નવા નક્કોર પાઠ્ય-પુસ્તકો પસ્તીમાં કેવી રીતે આવ્યા તેની તપાસ કરી રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર થરાદમાં ચાલુ વર્ષ 2023/24ના અભ્યાસક્રમના પાઠ્ય પુસ્તકો પસ્તીમાંથી મળી આવ્યા હતા. આ ખાનગી પેપર કતરણ કરતાં કારખાનામાંથી ધોરણ 2, 3, 5, 6, 7, 8 અને 10ના નવા નક્કેર પાઠ્ય પુસ્તકો પસ્તીમાં જોવા મળ્યા હતા. 2023/24ના વર્ષના નવા નક્કોર પુસ્તકો મોટી માત્રામાં બારોબર પસ્તીમાં વેચવા વેચાણ થતું હોવાથી મીડિયાના એહવાલ બાદ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તપાસના આદેશ પણ આપવામાં આવ્યો હતો. આ કારખાનામાં કોઈક સ્કૂલે મોટી માત્રામાં નવા નક્કોર પુસ્તકો બાળકોને આપવાના બદલે પસ્તીમા દીધાં હોય તેમ મોટી સંખ્યામાં સ્વાધ્યાયપોથીઓ પણ મળી આવી હતી. કે.આર.ટ્રેડર્સ નામના ગોડાઉનમાં પસ્તીને કતર કરવામાં આવે છે જેના બાદ દાડમના પેકીગમાં આ કતરનો ઉપયોગ થાય છે. જોકે બહુ મોટી કિંમતમાં આવતી આ સ્વાધ્યાયપોથીઓ તેમજ બુકો પસ્તીમાંથી મળી આવતાં કઈ રીતે ભણશે ગુજરાત તેવા અનેક સવાલો ઉભા થયા છે. ત્યારે તંત્ર દ્વારા સમગ્ર મામલે પુસ્તકોનો કબજો લઈ અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
થરાદના તાલુકા શિક્ષમ અધિકારીના કહેવા મુજબ કતરણ કરવાના ગોડાઉનમાંથી જે પુસ્તકો મળી આવ્યાં છે તે પુસ્તક વર્ષ 2023/24ની સ્વાધ્યાપોથીઓ છે અને બેથી ત્રણ કોથળા છે. આ તમામ પુસ્તકો ભેગા કરાવી તેની યાદી બનાવી છે. જે જિલ્લા કક્ષાએ રિપોર્ટ કરીશ અને જે પણ કાર્યવાહી થશે એ ઉચ્ચ કક્ષાએથી થશે. પાઠ્ય પુસ્તકો અને સ્વાધ્યાય પોથીઓ ક્યાંથી આવી તેની ખબર પડી નથી. પાઠ્ય પુસ્તકો અને સ્વાધ્યાય પોથીનું બીઆરસી ભવન ખાતેથી વિતરણ થાય છે પણ ક્યાંથી આવ્યા અને ક્યાં તાલુકાના છે એ તપાસનો વિષય છે.