Site icon Revoi.in

નર્મદા ડેમની સપાટી 138.37 મીટરને વટાવી જતા સવા લાખ ક્યુસેક પાણી છોડાયું

Social Share

રાજપીપળાઃ મધ્યપ્રદેશમાં ભારે વરસાદથી ઓમકારેશ્વર અને ઈન્દિરા સાગર ડેમની જળ સપાટીમાં વધારો થતા પાણી છોડાતા સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થયો છે, અને નર્મદા ડેમની જળ સપાટી 138.37 મીટરને વટાવી જતાં નર્મદા નદીમાં સવા લાખ ક્યુસેક પાણી છોડાતા વડોદરા જિલ્લાના ડભોઈ, શિનોર અને કરજણ તાલુકાના નદી કિનારાના નીચાણવાળા વિસ્તારોના 25 ગામોના રહીશોને સતર્ક કરાયા છે.

સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 138.37 મીટરને વટાવી જતાં નદીમાં સવા લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. આથી નદી કિનારાના ગામોમાં સાવચેતીના પગલાં લેવા પ્રાંત અધિકારી, મામલતદાર,તાલુકા વિકાસ અધિકારી અને સંબંધિત તલાટીઓને જિલ્લા પ્રશાસન દ્વારા સૂચનાઓ અપાઈ હતી. આ ઉપરાંત દેવ ડેમનું રૂલ લેવલ જાળવવા જળાશયના બે દરવાજા 0.05 મીટર સુધી ખોલાતાં હાલોલ, વાઘોડિયા અને ડભોઈ તાલુકાના ગામોના લોકોને સાવચેત કરાયા હતાં.અત્રે  ઉલ્લેખનિય છે કે, વાઘોડિયા નજીક આવેલા દેવ ડેમ સતત પાણીની આવકથી પૂર્ણ સપાટીએ ભરાયો છે. જેથી નદીના કિનારેના ગામોના લોકોને સાવચેત કરાયા છે. જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ મુજબ દેવ જળાશયની જળ સપાટી 89.65 મીટરે પહોચી છે.

દેવ જળાશયના ઉપરવાસમાં સતત વરસાદથી રૂલ લેવલ જાળવવા જળાશયના બે દરવાજા 0.05 મીટર ખોલી 349 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નદી કાંઠાના રહીશોને સાવચેત કરવા સાથે તકેદારીના પગલાં લેવાયા છે.જિલ્લા કલેકટર બીજલ શાહે તાલુકા લાયઝન અધિકારીઓને સ્થિતિ પર નજર રાખી અગમચેતીના તમામ જરૂરી પગલાં લેવા પ્રાંત અધિકારી ડભોઇ, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને તલાટીઓને સૂચના અને પૂરના સંજોગોમાં સલામત સ્થળે ખસી જવા પણ રહીશોને  તાકીદ કરાઈ છે.દેવ ડેમમાં છોડાતાં પાણીના કારણે વાઘોડીયા અને ડભોઇ તાલુકાના 11 અને હાલોલ તાલુકાના 06 ગામોના રહીશોને વહીવટી તંત્રે સચેત રહેવા સૂચના આપી છે.