1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અંબાજીમાં ભાદરવી પૂનમના મેળા માટે સવા ત્રણ લાખ કિલો મોહનથાળ બનાવાશે
અંબાજીમાં ભાદરવી પૂનમના મેળા માટે સવા ત્રણ લાખ કિલો મોહનથાળ બનાવાશે

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળા માટે સવા ત્રણ લાખ કિલો મોહનથાળ બનાવાશે

0
Social Share
  • ટ્રસ્ટ દ્વારા રાત-દિવસ પ્રસાદ બનાવવાની કામગીરી પુરજોશમાં,  
  • નવી કોલેજ ખાતે પ્રસાદ ઘરમાં પુરવઠા અધિકારીની હાજરીમાં પ્રસાદ બની રહ્યા છે,
  • 14 જેટલાં પ્રસાદ વિતરણ કેન્દ્રો ઊભા કરાશે

અંબાજીઃ શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી ખાતે આગામી તા. 12 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર સુધી ભાદરવી પૂનમનો મહામેળો યોજાશે. મહામેળાને હવે બે-ત્રણ દિવસ બાકી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અંબાજી મહામેળામાં આવતા તમામ ભક્તોને મોહનથાળનો પ્રસાદ સરળતાથી મળી રહે તે માટે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા મોહનથાળ પ્રસાદ બનાવવાની કામગીરી  નવી કોલેજ ખાતે જિલ્લા પુરવઠા અધિકારીની અધ્યક્ષતામાં થઈ રહી છે. આ વર્ષે ટ્રસ્ટ દ્વારા 1000 ઘાણ એટલે કે 3 લાખ 25 હજાર કિલો મોહનથાળ બનાવવાનું આયોજન છે.

યાત્રાધામ અંબાજીમાં નવી કોલેજ ખાતેના પ્રસાદ ઘરમાં મોહનથાળનો પ્રસાદ બનાવવાની કામગીરી શરૂ કરાઈ છે. આ મોહનથાળ બેસન, દૂધ, બનાસ ઘી, ખાંડ, ઈલાયચીથી બની રહ્યો છે. અહીં કામ કરતા કારીગરો દ્વારા પ્રસાદ બનાવવાની કામગીરી શરૂ કરાઈ છે. પ્રસાદ બની ગયા બાદ તેને ચોકીમાં પાથરવામાં આવે છે. ત્યાર બાદ બોક્સમાં પેકિંગ કરવામાં આવે છે અને પછી મંદિરમાં અને અલગ અલગ પ્રસાદ પોઇન્ટ ઉપર વેચાણ અર્થે મૂકવામાં આવશે

આ અંગે અંબાજી મંદિરના વહીવટદાર દ્વારા માહિતી આપવામાં આવી હતી કે, આ વર્ષે અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળાને લઈ માઈભક્તો માટે વિપુલ પ્રમાણમાં મોહનથાળનો પ્રસાદ બનાવવામાં આવશે. અંબાજી ટ્રસ્ટ વતી હાલમાં 1000 ઘાણ તૈયાર કરવામાં આવી રહ્યો છે. જેમાં 1 ઘાણ બરાબર 325 કિલો થાય, આમ આખા મેળા દરમિયાન 3 લાખ 25 હજાર કિલો મોહનથાળનો પ્રસાદ બનશે. હાલ પ્રસાદ સ્ટોક કરવાની કામગીરી શરૂ કરાઈ છે અને વધુ જરૂત પડશે ત્યારે વધુ પ્રસાદ બનાવવા માટેની પૂરતી તૈયારીઓ છે. અંબાજી મંદિર સહિત ગબ્બર પર મળીને 14 જેટલા પ્રસાદ વિતરણ કેન્દ્ર ઊભાં કરવામાં આવશે.

ભાદરવી મહામેળા આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા જિલ્લા કલેક્ટરના નેતૃત્વ અને માર્ગદર્શનમાં જિલ્લા વહીવટી તંત્ર મેળો યોજવા સજ્જ બન્યું છે. ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસથી શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અંબાજી નવી કોલેજ ખાતે વોટરપ્રુફ ડોમમાં મોહનથાળ પ્રસાદ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. અંબાજી ખાતે દર્શન કરવા આવતા માઈભક્તો માતાજીનાં દર્શન કર્યા બાદ પોતાના ઘરે મોહનથાળનો પ્રસાદ અચૂક લઈ જતા હોય છે. મોહનથાળનો પ્રસાદ અંબાજી મંદિરની આગવી ઓળખ છે

મેળામાં આવતા યાત્રિકોની સંખ્યાને ધ્યાનમાં રાખી સમગ્ર મેળા દરમિયાન 1000 ઘાણ એટલે કે 3 લાખ 25 હજાર કિલો મોહનથાળ બનાવવાનું આયોજન છે. અંબાજી મંદિર ટ્રસ્ટ અને કલેક્ટરના માર્ગદર્શન હેઠળ પ્રસાદ સમિતિ દ્વારા અહીં મેળા દરમિયાન જરૂરિયાત મુજબ રોજે રોજ પ્રસાદ બનાવવામાં આવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code