- રણમાં રાજેશ્વરી મંદિરમાં શસ્ત્ર પૂજન બાદ અશ્વદોડ યોજાઈ,
- ઝીંઝુવાડા ચોવીસી ઝાલા રાજપુત સમાજ દ્વારા કરાયુ આયોજન,
- પાણીદાર અશ્વોને નિહાળવા લોકોની ભીડ જામી
સુરેન્દ્રનગરઃ જિલ્લાના કચ્છના નાના રણ તરીકે ઓળખાતા પાટડીના રણ વિસ્તારમાં અશ્વદોડ સ્પર્ધા યોજાઈ હતા. ઝીંઝુવાડા ચોવીસી ઝાલા રાજપૂત સમાજ દ્વારા અશ્વો દોડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં રાજેશ્વરી મંદિરે તલવાર, ભાલા, બરછી, કટાર, ઢાલ અને બંદૂક સહિતના શસ્ત્રપૂજન બાદ ઝાલા રાજપૂત સમાજના આગેવાનો દરબારી પોષાકમાં હાજર રહ્યાં હતા. ત્યારબાદ અશ્વદોડ સ્પર્ધા યોજવામાં આવી હતી. ભવ્ય અશ્વદોડ સ્પર્ધામાં ગુજરાતભરમાંથી જુદી-જુદી જગ્યાના 20થી વધારે અસવારોએ પોતાના ઘોડાઓ સાથે દરબારી પોષાકમાં રેવાલ ચાલ અને અસલી દોડ સહિતની વિવિધ સ્પર્ધાઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જેમાં વિજેતાઓનું સાફો અને તલવાર આપી બહુમાન કરવામાં આવ્યું હતુ.
પાટડી- ઝીંઝુવાડાના રણમાં યોજાયેલી ભવ્ય અશ્વદોડ સ્પર્ધામાં ગુજરાતભરમાંથી આવેલા અશ્વોની ભવ્ય અશ્વદોડ સ્પર્ધા યોજાઈ હતી. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે યુવરાજ ગિરિરાજસિંહ વાઘેલા ઓફ દિયોદર સ્ટેટ હાજર રહ્યા હતા.જેમાં ઝીંઝુવાડા ચોવીસીના સર્વે ગીરાસદારો પોતપોતાના શસ્ત્રો જેવા કે તલવાર, ભાલો, બરછી, કટાર, ઢાલ અને બંદૂક સહિતના શસ્ત્રો સાથે દરબારી પોષાક પહેરીને હાજર રહ્યા હતા. અને ઝીંઝુવાડા ચોવીસી તથા નજીકના પરગણાના ભાઈઓ પોત-પોતાના ઘોડા તથા ઘોડીઓ લઈને પરંપરાગત પોષાક સાથે હાજર રહ્યા હતા. જેમાં સૌ પ્રથમ ઝીંઝુવાડા ચોવીસીના સર્વે ગીરાસદારો ગ્રામ પંચાયતથી લઈને આઈ રાજબાઇ માતાજીએ વાજતે ગાજતે જઈને દર્શન કર્યા હતા. બાદમાં માતાજીના મંદિરના ચોકમાં પૌરાણિક ખીજડાનું પૂજન કર્યા બાદ સભા હોલમાં શસ્ત્રપૂજનનો વિધિસર કાર્યક્રમ યોજાયો હતો. બાદમાં અલગ અલગ ક્ષેત્રમા સિધ્ધી મેળવનારાઓનું બહુમાન કરવામાં આવ્યું હતું. જેમાં રેવાલ ચાલ સ્પર્ધામા પ્રથમ નંબરે પાટડી થરા ભરાડાનો ભવાનભાઈ ગોપાલભાઈ ભરવાડ શક્તિ નામનો સિંધી ઘોડો, બીજા નંબરે ધ્રાંગધ્રા કોંઢનો જાલમસિંહ જુવાનસિંહ ઝાલાનો જપડો નામનો સિંધી મારવાડી ઘોડો અને જીવા ગામના સરપંચ દિગ્વિજયસિંહ ચંદુભા ઝાલાનો બાઝ નામનો સિંધી ઘોડો ત્રીજા નંબરે માળીયા રોહીશાળાના ઇમરાનશાહ અબ્બાસશાહ દિવાનનો તુફાન નામનો સિંધી ઘોડો વિજેતા બન્યો હતો. જયારે અસલી દોડ સ્પર્ધામા પ્રથમ નંબરે સાંતલપુર વારાહીનો મોનીસખાન મોહમ્મદખાન જતમલેકનો મિસાઈલ નામનો સિંધી ઘોડો, બીજા નંબરે પાટડી ઝીંઝુવાડાના પરાક્રમસિંહ રાજેન્દ્રસિંહ ઝાલાની ભૂતેણ નામની મારવાડી ઘોડી અને ત્રીજા નંબરે પાટડી ઝીંઝુવાડાના રામદેવસિંહ વિક્રમસિંહ ઝાલાની માણકી નામની સિંધી ઘોડી વિજેતા બની હતી.