થરાદ નજીક નર્મદાની નહેર નીચે બનાવેલું નાળું ખેડુતો માટે બન્યુ આફતરૂપ, ખેતરોમાં પાણી ભરાયા
પાલનપુરઃ જિલ્લાના થરાદ તાલુકાના જમડા ગામની સીમમાંથી પસાર થતી મુખ્ય નર્મદા નહેર નીચે બનાવેલા વરસાદી પાણીના નિકાલ માટેનું નાળું ખેડુતો માટે આફતી બની જતાં ખેડૂતોના ખેતરો જળબંબાકાર બની ગયા છે. જેના પગલે ખેતરોમાં ઢીંચણસમું પાણી હજુ પણ ભરાયેલું હોવાથી પાક નિષ્ફળ જવા પામ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ થરાદ તાલુકાના જમડા ગામની સીમમાંથી પસાર થતી મુખ્ય નર્મદા નહેર નીચે મુખ્ય નહેરથી પૂર્વ દિશાથી-પશ્ચિમ દિશા તરફ પાણીના નિકાલ અર્થે નાળું બનાવી ખેડૂતોની સીમ ખેત તલાવડી સુધી ઢાળવી દેતાં ખેત તલાવડીમાં પાણીનો સંગ્રહ નહીં જળવાતા તે ઓવરફ્લો થઈને આજુબાજુમાં આવેલા પાટડીયા તેમજ ગગાસરી નામથી ઓળખાતી સીમના ખેતરોમાં પાણીનો પ્રવાહ ગયો છે. જેના લીધે લગભગ 30 જેટલા ખેડૂતોના 100 એકરથી વધુની ખેતીની જમીનમાં પાણી ભરાઈ જવા પામ્યું છે. જેમાં બાગાયતી તેમજ ચોમાસુ વાવેતર કરેલી બાજરી, જુવાર, મગફળી, ગવાર, એરંડા તેમજ પશુઓને ઘાસચારા માટેની રજકા બાજરી સહિત દાડમ જેવો પાક પાણીમાં ગરકાવ થઈ જવા પામતાં વાવેતર કરેલો પાક નિષ્ફળ ગયો છે. જેથી ખેડૂતોને મોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, ખેડૂતો પોતાના ખેતરોમાં રહેણાંક બનાવી પશુઓ સાથે વસવાટ કરી રહ્યા છે. જેમાં ઊભા પાકમાં ઢીંચણસમા પાણીનો સંગ્રહ રહેતાં દુર્ગંધ સાથે મચ્છરોનો ઉપદ્રવ વધી જતાં રોગચાળાની દહેશત વચ્ચે રહેવું એ ખેડૂત પરિવારો માટે મુશ્કેલ બની જવા પામ્યું છે. ખેતરોમાં ચારેકોર મોટા પ્રમાણમાં પાણીનો સંગ્રહ પથરાયેલો હોવાથી ખેડૂતો પોતાના ખેતરોમાં પગ મૂકી શકે તેમ નથી. જેથી પશુઓ સહિત ખેડૂત પરિવારો હેરાન પરેશાન થઈ રહ્યા છે. આથી નર્મદા વિભાગ તેમજ તાલુકા વહીવટી તંત્ર દ્વારા સત્વરે આવા સીમ ખેતરોની મુલાકાત લઈ નાળાના પાણીનો યોગ્ય જગ્યાએ નિકાલ કરવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.