- તાજેતરમાં બેફામ બનાલા કારચાલકે સાયકલિસ્ટને અડફેટે લીધો હતો,
- લોકોમાં અવેરનેસ માટે 25 કિમીની રેલી યોજાઈ,
- 200 સાયક્લિસ્ટો રેલીમાં જોડાયા
અમદાવાદઃ શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં પૂરફાટ ઝડપે દોડતા વાહનો સાયકલસવારોને પણ અડફેટે લેતી હોય છે. તાજેતરમાં જ શહેરના એસ જી હાઈવે પર હાઈકોર્ટ નજીકના ફ્લાઈઓવર બ્રિજ પર કારચાલક સાયકલિસ્ટને અડફેટે લઈને પલાયન થઈ ગયો હતો. શહેરમાં આવા રોજબરોજ બનાવો બનતા હોય છે. ત્યારે વાહનચાલકોમાં જાગૃતિ આવે તે હેતુથી વિવિધ સાયકલિંગ ગ્રુપ દ્વારા આજે અવેરનેસ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી સવારે 6.30 કલાકે ગોટીલા ગાર્ડનથી નીકળી હતી. જે વૈષ્ણોદેવી સર્કલથી યુ ટર્ન મારીને પકવાન ચાર રસ્તા પાસે સમાપ્ત થઈ હતી. આ રૂટ લગભગ 25 કિલોમીટર કરતાં વધુ લાંબો હતો. આ રેલીમાં 200 કરતા પણ વધુ અલગ અલગ ગ્રુપના સાયકલીસ્ટ જોડાયા હતા. આ દરમિયાન સાયકલિસ્ટો સ્લોગન અને બેનર સાથે લોકોને જાગરૂક કરવા પ્રયત્ન કર્યો હતો.
શહેરમાં બેફામ દોડાવાતા વાહનચાલકોમાં અવેરનેસ આવે તે માટે વિવિધ સાયકલિંગ ગ્રુપ દ્વારા આજે સવારે 6.30 કલાકે ગોટિલા ગાર્ડનથી વૈશ્નોદેવી થઈને પકવાન સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં અમદાવાદના મુખ્ય 07 સાયકલિસ્ટ ગ્રુપે ભાગ લીધો હતો. જેમાં પેડલર્સ, ફ્રેન્ડ્સ સાયકલિંગ ક્લબ, ગ્રીન રાઇડર્સ, Bycs અમદાવાદ, 079 રાઇડર્સ, સાઈક્લોન સાયકલિંગ ક્લબ અને રોડ સોલ્જર્સ ગ્રુપનો સમાવેશ થાય છે. રેલીમાં તમામે સેફ્ટી ગિયર પહેર્યો હતો. આ ઉપરાંત ચાલકે હેલ્મેટ, સાઇકલમાં આગળ અને પાછળ લાઈટ લગાવી હતી. આ રેલીનો ઉદ્દેશ્ય સાયકલિંગ માટે યોગ્ય સુવિધાઓની માંગ, માર્ગ સુરક્ષાના નિયમોનું કડક અમલીકરણ, સાયકલિંગ માટે માર્ગ આપવા જાગૃતિ ફેલાવવાનો છે.
આ રેલીમાં જે બે સાયકલિસ્ટોનો અમદાવાદમાં હાઇકોર્ટ પાસેના ફ્લાયરઓવર ઉપર અકસ્માત થયો હતો, તેઓ પેડલર્સ ગ્રુપના સભ્ય છે. આ બંને સભ્યો ક્રિષ્ના શુક્લા અને ડોકટર અનિષ તિવારી પણ આ રેલીમાં જોડાયા હતા. મહિલા ઘાયલ હોવાથી તેમને ગાડીમાં સાયકલિસ્ટોનો સાથ આપ્યો હતો. તેમને ફ્રેક્ચર થયું હોવાથી 6 અઠવાડિયા આરામ કરવો પડે તેમ છે. જ્યારે ડોક્ટરે સાયકલ ચલાવી હતી.