અમદાવાદઃ ટીવી અને ઈન્ટરનેટના યુગમાં લોકોમાં વાંચનનો રસ ઓછો થતો જાય છે. વિદ્યાર્થીઓમાં પણ પાઠ્ય-પુસ્તકો સિવાય વિવિધ પુસ્તકો વાંચવાનો રસ ઘટી ગયો છે. પહેલા તો લાયબ્રેરીમાંથી પુસ્તકો મેળવવા માટે વિદ્યાર્થીઓમાં ભારે ધસારો જોવા મળતો હતો. હવે વિદ્યાર્થીઓ જુજ સંખ્યામાં જ આવી રહ્યા છે. આગામી તા. 23મી એપ્રિલે વિશ્વ પુસ્તક દિવસ છે. ગુજરાત યુનિવર્સિટીની લાયબ્રેરીમાં કેટલીક સંસ્થાઓ સાથે મળીને રીડાથોનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કોઈ પણ વ્યક્તિ રજિસ્ટ્રેશન કરીને તે દિવસે વાંચનના આ અભિયાનમાં જોડાઈ શકશે. સમગ્ર ગુજરાતમાંથી 15 હજાર જેટલા વિદ્યાર્થીઓ આ રીડાથોનમાં જોડાય તેવી શક્યતાઓ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ બુક કલબ,ગુજરાત બુક કલબ, કર્મ ફાઉન્ડેશન, ICDR, DPPG, બી.કે.સ્કૂલ તેમજ ગુજરાત યુનિવર્સિટી લાયબ્રેરીના સંયુક્ત ઉપક્રમે આગામી તા. 23 એપ્રિલે વિશ્વ પુસ્તક દિવસે સવારે 9 થી સાંજના 7 વાગ્યા સુધી રીડાથોન યોજવામાં આવશે. આ રીડાથોનમાં ભાગ લેનાર વ્યક્તિએ પોતાના ઘરે કે કોઈ પણ જગ્યાએ બેસીને વાંચવાનું રહેશે. વાંચતા હોય તેવો ફોટો # gujaratuniversity કરીને યુનિવર્સિટીની ટેગ કરીને સોશિયલ મીડિયામાં અપલોડ કરવાનો રહેશે.
ગુજરાત યુનિવર્સિટીના લાયબ્રેરિયન યોગેશ પારેખે માહિતી આપતા જણાવ્યું હતું કે રજિસ્ટ્રેશન માટે લિંક ગુજરાત યુનિવર્સિટીના લાયબ્રેરીના પેજ પર મુકવામાં આવી છે. તેમજ રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે. રજિસ્ટ્રેશન કરાવીને કોઈ પણ વ્યક્તિ ભાગ લઈ શકશે. આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી થતી હોવાથી આઝાદી અપાવનાર સ્વતંત્ર સેનાનીના જીવન પર આધારિત પુસ્તક વાંચવા આગ્રહ રાખવો. એક દિવસ માટે લાયબ્રેરીના જે ઓનલાઇન પુસ્તકો છે તે રજિસ્ટ્રેશન કરાવનારા વાંચી શકે તે માટે ઍક્સેસ આપવામાં આવશે.