Site icon Revoi.in

અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારો માટે રાહત પેકેજ જાહેર કરાશે

Social Share

ગાંધીનગરઃ ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં અતિવૃષ્ટિને કારણે માલ-મિલક્તો અને ખરીફ પાકને સારૂએવું નુકશાન થયું છે. વરસાદી પાણી ઉતર્યા બાદ હવે નુકશાનીનો સાચો ચિતાર મળી રહ્યો છે. દરમિયાન મુખ્યમંત્રી દ્વારા હાઈ લેવલ બેઠક બોલવવામાં આવી હતી. જે બાદ મુખ્યમંત્રીએ વરસાદી પરિસ્થિતિથી થયેલા નુકસાન અંગે સરકાર દ્વારા સહાય પેકેજ જાહેર કરાશે.એમ કહ્યું હતુ. એસડીઆરએફના નિયમની ઉપરવટ જઈને સરકાર સહાય જાહેર કરી શકે છે. સર્વેને આધિન સરકાર સહાયની રકમ અંગે ચર્ચા બાદ જાહેરાત કરશે. જમીનોના ધોવાણના સર્વે પણ કરવામાં આવશે. જમીન ધોવણ અંગે પણ સરકાર સહાય પેકેજ આપી શકે છે.

ગુજરાતમાં પૂરની પરિસ્થિતિનો તાગ મેળવ્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા હાઈ લેવલ મિટિંગ બોલાવવામાં આવી હતી. જેમાં જિલ્લા કલેક્ટરો સાથે વીડિયો કોન્ફરન્સ કરીને તેમણે અસના વાવાઝોડા સામે તંત્રની સજ્જતાની સમીક્ષા કરી હતી. આ વાવાઝોડાની આફતથી લોકોને બચાવી શકાય તે માટે જરૂર જણાય ત્યાં તાત્કાલિક અસરથી સ્થળાંતર કરવા મુખ્યમંત્રી દ્વારા સૂચના આપવામાં આવી હતી. જોકે, આ બેઠકમાં મુખ્ય સચિવ રાજકુમાર અને વરિષ્ઠ સચિવો પણ જોડાયા હતા.

મુખ્યમંત્રીએ ભારે વરસાદ અને પરિણામે સર્જાયેલી સ્થિતિની જાત માહિતી મેળવવા અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા એનડીઆરએફ, એસડીઆરએફ, આર્મી, કોસ્ટ ગાર્ડની મદદથી હાથ ધરાઇ રહેલાં રાહત કામોમાં માર્ગદર્શન પૂરું પાડવા ખંભાળિયા પહોંચ્યા હતા. તેમણે ખંભાળિયાના અસરગ્રસ્ત રામનગર અને કણઝાર ચેકપોસ્ટ વિસ્તારોની મુલાકાત લઈને લોકોના ખબરઅંતર પૂછ્યા હતા તેમજ અસરગ્રસ્તોને અપાઈ રહેલી વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુખ્ય સચિવ રાજકુમારની ઉપસ્થિતિમાં દ્વારકા કલેક્ટર કચેરી ખાતે  સમીક્ષા બેઠક યોજીને જિલ્લામાં થયેલા નુકસાન, લોકોના સ્થળાંતર, રેસ્ક્યૂ સહિતની તલસ્પર્શી વિગતો મેળવી હતી. ભૂપેન્દ્ર પટેલે વરસાદને કારણે ભરાયેલા પાણી, કાંપ, માટી વગેરે દૂર કરીને સાફ-સફાઈ, જંતુનાશક દવા છંટકાવ માટે જરૂર જણાયે અન્ય જિલ્લાઓમાંથી સાધન-સામગ્રી સાથે ટીમ મોબિલાઈઝ કરવાની વ્યવસ્થાનું માર્ગદર્શન આપ્યું હતું તેમજ સ્વચ્છતા-સફાઈને પ્રાથમિકતા આપવા તાકીદ કરી હતી. તેમણે આરોગ્યવિષયક બાબતોને પણ અગ્રતા આપીને તબીબી ટીમ, આરોગ્યકર્મીઓ, એમ્બ્યુલન્સ, મોબાઈલ ડિસ્પેન્સરી અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચાડીને જન આરોગ્ય સુખાકારીની ચિંતા કરવા સાથે રોગચાળો ન ફેલાય એની કાળજી લેવા પણ માર્ગદર્શન આપ્યું હતું. (File photo)