ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોમાં ચંદ્રયાન-3ની રેપ્લિકાએ લોકોમાં જમાવ્યું આકર્ષણ
ગાંધીનગરઃ વાયબ્રન્ટ ગ્લોબલ ટ્રેડ શોમાં ઇસરો દ્વારા બનાવાયેલી ચંદ્રયાન-3ની રેપ્લિકા પ્રદર્શન નિહાળનાર સૌ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. ઇસરો દ્વારા લોન્ચ વ્હીકલ, રોકેટ એન્જિન, સ્પેસ ક્રાફ્ટ,નેવિગેશન એપ જેવા વિવિધ વિષયોને આવરીને તેની માહિતી પૂરી પાડવામાં આવી છે. ઇસરોનું અમદાવાદ સ્થિત સ્પેસ એપ્લિકેશન સેન્ટરના વૈજ્ઞાનિકો અને તેમની ટીમે પણ ચંદ્રયાન-3 મિશનમાં યોગદાન આપ્યું છે. આ મિશનથી ગુજરાતમાં કેપેસિટી બિલ્ડીંગ પ્રોગ્રામ દ્વારા લઘુ અને માધ્યમ ઇન્ડસ્ટ્રીઝને નવી દિશા અને પ્રોત્સાહન મળ્યું છે.
ગાંધીનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે તાજેતરમાં ખુલ્લું મોકલવામાં આવેલા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો- પ્રદર્શનમાં ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના પેવેલિયન- 12 Aમાં આધુનિક ટેકનોલોજી આધારિત વિવિધ સંસ્થાઓ -કંપનીઓ જેમ કે ઈસરો, માઈક્રોન, યોટા તથા બાયોલોજી અને એન્જિનિયરિંગ આધારિત સ્ટાર્ટઅપ્સ દ્વારા નાગરિકોને ઉપયોગી થાય તેવું પ્રદર્શન યોજવામાં આવ્યું છે.
આ પેવેલિયનમાં બાયોલોજી અને એન્જિનિયરિંગ આધારિત સાવલી ટેકનોલોજી અને બિઝનેસ ઇન્ક્યુબેટર, વડોદરાના સ્ટાર્ટઅપ્સના અલગ અલગ પ્રોજેક્ટ યુવાનો માટે રસપ્રદ છે.સાવલી ટેકનોલોજીના સહયોગથી ઓર્થોહીલ ઇન્ડિયા કંપનીએ પ્લાસ્ટર ઓફ પેરિસના ઓપ્શનમાં સિલિકોન મટીરીયલનું એક બેન્ડેજ તૈયાર કર્યું છે, જેનાથી કોઈપણ પ્રકારની ખંજવાળ કે ઇરીટેશન થતું નથી અને હાડકાની કોઈપણ ઈજામાં તે મદદરૂપ થાય છે. આ બીજા પાટાઓની ગરજ સારે છે. આ બેંડેજને પલાળી પણ શકાય છે. સાવલી ટેકનોલોજી, નવસારી અને આણંદ કૃષિ યુનિવર્સિટીની મદદથી તથા ગુજરાત સરકારના સ્ટાર્ટ અપ પ્રોગ્રામ દ્વારા સાથી નામની કંપનીએ કેળાના સ્ટેમ્સ તથા બામ્બુ ફાઇબર જેવા મટીરીયલમાંથી ટીશ્યુ પેપર, સેનેટરી નેપકીન’બાળકો માટે ડાયપર્સ વગેરે જેવી પ્રોડક્ટ બનાવી છે, જે સંપૂર્ણપણે બાયોડીગ્રેડેબલ અને મધર અર્થ માટે લાભકર્તા છે. આ કંપનીની વિશેષતા છે કે તેમાં સંપૂર્ણ મહિલા કારીગરો કામ કરે છે. આ કંપની ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓને સેનિટરી પેડ સંપૂર્ણપણે ફ્રી આપે છે. ગુજરાત સરકારના કૃષિ વિભાગ દ્વારા સાથી કંપનીના સ્ટાર્ટ અપને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે .
આ સ્ટોલમાં રોબોફેસ્ટ 3.0 જેમાં ગુજરાતના વિવિધ યુનિવર્સિટીઓ જેવી કે નિરમા યુનિવર્સિટી, એલ.ડી એન્જિનિયરિંગ કોલેજ,અમદાવાદ યુનિવર્સિટી ,બીવીએમ,પારુલ યુનિવર્સિટી વગેરેના વિદ્યાર્થીઓ દ્વારા તેમના પ્રોફેસરના સહયોગથી ટુ વ્હીલ રોબોટ, હેકસાપોડ રોબોટ,લાઇબ્રેરી આસિસ્ટન્ટ રોબોટ,મેઝ રોબોટ,રોવર વગેરેનું પ્રદર્શન છે જે વિદ્યાર્થીઓ માટે રસપ્રદ વિષય છે.
ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા વિજ્ઞાનમાં રુચિ ધરાવતા નાના બાળકો માટે રોબોટિક્સ કીટ, થ્રીડી પ્રિન્ટ, ડ્રોન કીટ ,સ્ટુડન્ટ કીટ વગેરેનું ‘ડુ ઇટ યોર સેલ્ફ’ નામથી અદભૂત, આકર્ષક માહિતીપ્રદ અને નાના ભૂલકાઓને મોબાઈલ ફોન ભૂલીને વિજ્ઞાનની રમતો તરફ દોરે તેવી નયનરમ્ય પ્રતિકૃતિ જોવા મળે છે.
આ સ્ટોલમાં Yotta કંપનીએ ભારતનું સૌપ્રથમ હોમમેડ yntraa નામનું કલાઉડ ટેકનોલોજી ઇનોવેશન બનાવ્યું છે.જ્યારે શક્તિ નામનું એઆઈ સુપર જીપીયુ બેસ્ડ કલાઉડ બનાવ્યું છે. આ યોટા કંપની ગુજરાતના ગિફ્ટ સિટી ગાંધીનગરમાં વિકાસ પામી રહી છે. જે ગુજરાતની જનતા માટે ભવિષ્યમાં ટેકનોલોજી આધારિત માહિતી અને રોજગારની તકો પૂરી પાડશે.