ગુજરાતમાં પ્રાથમિક શિક્ષકોના 18 જેટલા વણઉકેલ્યા પ્રશ્નો અંગે સંઘ દ્વારા શિક્ષણ મંત્રીને રજુઆત
ગાંધીનગરઃ રાજ્યના પ્રાથમિક શિક્ષકોના વણઉકેલ્યા પ્રશ્નો માટે શિક્ષક સંઘએ ફરીવાર સરકારના દ્વારા ખટખટાવ્યા છે, પ્રાથમિક શિક્ષકોના વણઉકલ્યા પ્રશ્નો જેવા કે, પ્રાથમિક શિક્ષકો અને એચ ટાટના બદલી કેમ્પો કરવા, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓની ભરતી કરવા, મુખ્ય શિક્ષક એલાઉન્સમાં વધારો કરવા, એકમ કસોટી અંગે પુન:વિચારણા કરવા સહિતના 18 જેટલા પ્રશ્નો વણઉકેલ્યા હોવાથી શિક્ષકોમાં રોષ ઉઠવા પામ્યો છે. શિક્ષકોના પ્રશ્નોના ઉકેલ માટે શિક્ષક સંઘે શિક્ષણમંત્રીને લેખિત રજુઆત કરી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા પણ પ્રાથમિક શિક્ષકોના વણઉકેલ્યા પ્રશ્નો અંગે લડત આપવામાં આવી હતી પણ ચૂંટણી જાહેર થતાં જ શિક્ષકોએ લડત મુલત્વી રખી હતી. હવે ભાજપે ફરીવાર સત્તાના સૂત્રો સંભાળ્યાને બે મહિના જેટલો સમય વિત્યાબાદ હવે શિક્ષક સંઘએ શિક્ષણ મંત્રીને પત્ર લખીને રજુઆત કરી છે. પ્રાથમિક શિક્ષકોના વણઉકેલ્યા પ્રશ્નોનો ઘણા સમયથી અનેક રજુઆતો બાદ પણ ઉકેલ નહી આવતા શિક્ષકોમાં નારાજગી જોવા મળી રહી છે. શિક્ષકોની એવી માગણી છે. કે, ગત તારીખ 1લી, એપ્રિલ-2005 પછી ભરતી થયેલાને જુની પેન્શન યોજનાનો લાભ આપવો. ઉપરાંત શિક્ષકોને જુની પેન્શન યોજના લાગુ કરીને નવી પેન્શન યોજનાને રદ કરવી તેમજ તારીખ 27મી, એપ્રિલ-2011 પહેલાં ભરતી થયેલા પ્રાથમિક શિક્ષકોને નિવૃત્ત થયેલા શિક્ષકોની સંખ્યા મુજબ પુરા પગારમાં સમાવવા કરવાની માંગણી છે.
આ ઉપરાંત સીપીએફમાં 10 ટકાને બદલે 14 ટકા સરકાર દ્વારા ઉમેરવાની રજુઆત કરી હતી. તેની સામે 10 ટકાની સામે 10 ટકા, 12 ટકાની સામે 12 ટકા અને 14 ટકાની સામે 14 ટકાનો આદેશ કર્યો છે. આથી સમાધાન મુજબ સીપીએફમાં સરકારે જમા કરવાની માંગણી કરી છે. એચ ટાટ મુખ્ય શિક્ષકને મૂળ શિક્ષક સંવર્ગમાં પરત જવા માટે એક તક આપવી. અજયામશી સમયગાળામાં પ્રાથમિક શિક્ષકમાંથી એચ ટાટમાં બઢતી આપી હતી. તે બઢતી પરત લઇને પ્રાથમિક શિક્ષકમાં આવતા ઉચ્ચત્તર પગારધોરણનો લાભ મળતો નથી. નવરચિત જિલ્લાઓના પ્રાથમિક શિક્ષકોના જીપીએફ ખાતા ખોલવા તથા જીપીએફની રકમ ટ્રાન્સફર કરવી. બિન તાલીમી શિક્ષકોને તાલીમ બાદ શિક્ષકોનું પગારધોરણ તેમજ અન્ય લાભો આપવા. એચ ટાટ આચાર્યને સત્ર લાભ તથા રજાઓ અંગે સ્પષ્ટતા કરવી. તાલુકા અને જિલ્લાકક્ષાની શિક્ષણ શાખાની કચેરીઓમાં પુરતો સ્ટાફ આપવાની માંગણી શિક્ષકોમાં ઉઠી છે. પ્રાથમિક શિક્ષકોને કેશલેસ મેડિકલ પોલીસીનો લાભ આપવા સહિતના મુદ્દે પ્રાથમિક શિક્ષક સંઘે શિક્ષણમંત્રીને રજૂઆત કરી છે. (FILE PHOTO)