Site icon Revoi.in

શૈક્ષણિક મહાસંઘ દ્વારા અધ્યાપકોના પડતર પ્રશ્નો અંગે ગુજરાત યુનિવર્સિટીના કૂલપતિને રજુઆત

Social Share

અમદાવાદઃ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ દ્વારા અધ્યાપકોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. જેમાં CASના લાભ, ઇન્ટરવ્યૂ, વિદ્યાર્થીઓના પ્રશ્નો, યુનિવર્સિટીની પ્રેક્ટિકલ અને થિયરીની પરીક્ષાના પ્રશ્નો, કામ ચલાઉ કમિટીના પ્રશ્ન સહિતના મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી. કૂલપતિ દ્વારા આ અંગે સરકારમાં પ્રશ્નો મોકલીને સત્વરે ઉકેલવાની હૈયાધારણ આપવામાં આવી હતી.

અખિલ ભારતિય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ દ્વારા ગુજરાત યુનિવર્સિટીના કુલપતિને રજૂઆત કરવામાં આવી હતી કે, CASનો લાભ પ્રાપ્ત કરનાર અધ્યાપકોને મળવાપાત્ર પગાર તાત્કાલિક અસરથી આપવામાં આવે. CASના ઇન્ટરવ્યૂ પૂર્ણ થયા અને પ્રમોશન પ્રાપ્ત કરનારા અધ્યાપકોને આદેશપત્ર મળ્યાને ઘણા સમય થયો છતાં તેમની સેવાપોથી ગાંધીનગર મોકલવામાં આવી નથી. સિનિયર પ્રોફેસર માટે અરજી મંગાવ્યા બાદ કોઈ કારણસર ઇન્ટરવ્યૂ થયા નથી. આ અંગે અગાઉ પણ રજુઆતો કરવામાં આવી હતી. છતાંયે પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવ્યું નથી.

અખિલ ભારતિય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના પ્રતિનિધિ મંડળે એવી પણ રજુઆત કરી હતી કે,  ઘણા વિભાગમાં અધ્યાપક સેવા નિવૃત થયા છે, ત્યારે CASના પ્રમોશન બાદ ઘણા વિભાગોમાં હવે પ્રોફેસર ઉપલબ્ધ છે, તો રોટેશનને ત્વરિત લાગુ કરી સૌને તેનો લાભ આપવો જોઈએ. ભવનના ડાયરેક્ટર કે અધ્યક્ષ રજા પર હોય ત્યારે ચાર્જ આપવાની ચોક્કસ નીતિ ના હોવાના કારણે વિદ્યાર્થીઓ પરેશાન થાય છે. યુનિવર્સિટીની થિયરી અને પ્રેક્ટિકલની પરીક્ષામાં મૂલ્યાંકન કામગીરી કરતા અધ્યાપકોના ભથ્થા આપવા જોઈએ. યુનિવર્સિટી દ્વારા અલગ અલગ કામ ચલાઉ કમિટી બનાવવામાં આવી રહી છે તેમાં અધ્યાપકોને સ્થાન આપવું જોઈએ.