ઇન્ડો ઇઝરાયલ સેન્ટર ઓફ એક્સલેન્સ ફોર મેંગોના રિસર્ચ સેન્ટરએ કેરીને સાચવવા નવી ટેકનોલોજી વિકસાવી
અમદાવાદ: ગીરની કેસર કેરી વિશ્વ વિખ્યાત છે. કેસર કેરીની માવજત પણ જરૂરી છે. તાલાળા ખાતે ઇન્ડો ઇઝરાયલ સેન્ટર ઓફ એક્સલેન્સ ફોર મેંગોના રિસર્ચ સેન્ટર ખાતે કેસર કેરીમાં રોગ ન લાગે તે માટે સરળ તેમજ સસ્તી ટેકનોલોજી વિકસાવવામાં આવી છે.આ ટેક્નિક મુજબ કેસર કેરી જ્યારે નાની ખાખડી સ્વરૂપે હોય અને ઈંડા આકારની બને ત્યારથી જ કેરીના ફળને સ્પેશિયલ કાગળની થેલી પહેરાવવામાં આવે છે.આ કાગળની થેલીને કારણે કેરી પર મધિયો, થ્રિપ્સ ,સોનમાખ તેમજ ઈયળ જેવા રોગો આવતા નથી.આ થેલીની કિંમત માત્ર 2 થી 3 રૂપિયા જ છે. પેપર બેગનો ઉપયોગ કરવાથી કેસર કેરી ટેસ્ટમાં અને દેખાવમાં અનોખી બને છે અને ઉંચા ભાવે વેચાય છે.
સુરવા ગામના પ્રગતિશીલ ખેડૂત હિતેશભાઈ મારકણાએ આ પ્રયોગ કર્યો. 20 વિઘાના આંબાના બગીચામાં 20 હજાર કેરી પર પેપર બેગ ચડાવી હતી. ખેડૂતના જણાવ્યા મુજબ આ પ્રમાણે તૈયાર થયેલી કેરીનો અત્યારે તેમના ઘરે બેઠા જ 1200 થી 1800 રૂપિયા પ્રતિ 10 કિલોનો ભાવ મળે છે. જે અગાઉ 700 થી 800 રૂપિયા મળતો હતો. જો આવી રીતે કેરીનું મૂલ્ય વર્ધન કરીને માવજત કરવામાં આવે તો ખેડૂતને ડબલ ભાવ પણ મળે તદુપરાંત કેમિકલના સ્પ્રેનો ખર્ચ ઘટાડી જમીન, ઝાડ અને પર્યાવરણને નુકસાનથી પણ બચાવી શકાય છે.
અહી વિચારવા જેવી બાબત છે કે હાલ આબોહવા બદલાઈ રહી છે ઉપરાંત ગરમીની ઋતુ હોવા છતાં દેશના ધણા ભાગોમાં વરસાદનું વાતાવરણ જોવા મળ્યું છે. અને આ પ્રશ્ન બધાજ ખેડૂતો માટે ચિંતાનો વિષય પણ બન્યો છે, ધણી જગ્યાએ ભારે વરસાદ પડવાથી ખેડૂતોના પાકને નુકસાન થયુ છે. જેકે બીજી બાજુ હિતેશભાઈ એ ઇન્ડો ઇઝરાયલ સેન્ટર ઓફ એક્સલેન્સ ફોર મેંગોના રિસર્ચ સેન્ટર અંતર્ગત કેરીને સાચવવા અને જાળવવા માટે નવી ટેકનોલોજી વિકસાવી એ બીજા બધાને પણ ધણી ઉપયોગી સાબિત થશે.