ભાવનગર યુનિ.ના ભૌતિકશાસ્ત્ર ભવન દ્વારા 6ઠ્ઠી માર્ચે રાષ્ટ્રીય કોન્ફરન્સમાં રિસર્ચ પેપર રજુ થશે
ભાવનગરઃ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્ર ભવનના ઉપક્રમે આગામી તા.6 માર્ચે સેકન્ડ નેશનલ કોન્ફરન્સ ઓન એડવાન્સીસ ઇન મટિરિયલ્સ સાયન્સ : ચેલેન્જીસ એન્ડ ઓપોર્ચ્યુનીટીઝ (AMSCO-2023)નું આયોજન કરાયું છે. તેના માટેની તૈયારીઓ ચાલી રહી છે. આ કોન્ફરન્સમાં ભૌતિકશાસ્ત્રના વૈજ્ઞાનિકો ઉપસ્થિત રહેશે. અને પોતાના રિસર્ચ પેપરો રજુ કરશે.
સૂત્રોના જણાવ્યા મુજબ દેશનું ભાવિ વિકાસ સામગ્રી વિજ્ઞાનના ક્ષેત્રમાં સંશોધન અને વિકાસ પર આધારિત છે. અગાઉ વર્ષ 2021માં સૌપ્રથમ ફર્સ્ટ નેશનલ કોન્ફરન્સ ઓન એડવાન્સીસ ઇન મટિરિયલ્સ સાયન્સ : ચેલેન્જીસ એન્ડ ઓપોર્ચ્યુનીટીઝ (AMSCO-2021) આયોજન કરી દેશના 130થી વધુ ભૌતિકશાસ્ત્રના વિવિધ ફેકલ્ટી, રિસર્ચ સ્કોલર દ્વારા રિસર્ચ પેપર રજુ કરાયા હતા અને 106થી પણ વધુ પોસ્ટર પ્રેઝન્ટેશન રજૂ થયા હતાં. આમ, AMSCO-2021ની સફળતા બાદ, આ વખતે આયોજિત રાષ્ટ્રીય કોન્ફરન્સમાં CSMCRI, PRL, વગેરે નામાંકિત સંસ્થાના વકતાઓ દ્વારા વિચાર રજુ કરવામાં આવશે. AMSCO-2023નો હેતુ છેલ્લા બે વર્ષમાં ભૌતિક વિજ્ઞાનના ક્ષેત્રમાં થયેલી પ્રગતિને પ્રકાશિત કરવાનો છે.
એમ કે, ભાવનગર યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્ર ભવનના ઉપક્રમે આગામી તા.6 માર્ચે સેકન્ડ નેશનલ કોન્ફરન્સ ઓન એડવાન્સીસ ઇન મટિરિયલ્સ સાયન્સ : ચેલેન્જીસ એન્ડ ઓપોર્ચ્યુનીટીઝ (AMSCO-2023)ના મુખ્ય વકતા તરીકે ગુજરાત યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્ર ભવનના અધ્યક્ષ પ્રો. પી. એન. ગજ્જર, CSMCRIના સિનિયર મુખ્ય સાયન્ટીસ્ટ ડૉ. દિવેશ એન. શ્રીવાસ્તવ, ભાવનગર રિજ્યોનલ સાયન્સ સેન્ટરના પ્રોજેકટ ડીરેકટર ડૉ. ગીરીશ કે. ગોસ્વામી, સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના ડીન પ્રો. પલ્લવી શર્મા ઉપસ્થિત રહેશે. આ કોન્ફરન્સમાં રજુ થનારા પેપરનું એબ્સ્ટ્રકટ તા. 21 ફેબ્રુઆરી સુધી જમા કરાવી શકાશે અને સંપૂર્ણ રિસર્ચ પેપર મોકલવા માટે અંતિમ તારીખ તા.25 ફેબ્રુઆરી રહેશે. આ તબક્કે પ્રો.કે.એલ.નરસિંહમ મેમોરિયલ લેક્ચર- પ્લનરી ટોક પણ યોજાશે. સંપૂર્ણ કાર્યક્રમનું આયોજન કન્વીનર પ્રો. એન. કે. ભટ્ટના માર્ગદર્શનમાં કરવામાં આવી રહ્યું છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, મેગ્નેટિક ફ્લુઇડ સિન્થેસિસ અને એપ્લિકેશન્સ, કન્ડેન્સ્ડ મેટર ફિઝિક્સ (પ્રયોગ અને સિદ્ધાંત), ઓપ્ટિકલ એસ્ટ્રોનોમી, નેનો સાયન્સ રિસર્ચ એરિયા છે. કન્ડેન્સ્ડ અને સોફ્ટ કન્ડેન્સ્ડ મેટર, ફંક્શનલ મટિરિયલ્સ, નેનો મટિરિયલ્સ, કોમ્પ્યુટેશનલ, ભૌતિક અને રાસાયણિક વિજ્ઞાનથી સંબંધિત વિજ્ઞાન, પ્રવાહી, સિરામિક્સ, પોલિમર્સ અને સંયોજનો, અદ્યતન કાર્બનિક અને અકાર્બનિક સામગ્રીઓ વગેરે કોન્ફરન્સની થીમ છે.