ગાંધીનગરઃ જિલ્લા પંચાયત દ્વારા ગ્રામજનો પોતાના પ્રશ્નોની ફરિયાદો કરી શકે તે માટે દરેક ગ્રામ પંચાયતોની કચેરીઓમાં ફરિયાદ પેટી મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ફરિયાદ પેટી ગામના સરપંચ અને તલાટી દ્વારા ખોલવામાં આવશે. એટલે જો ગ્રામજનોને સરપંચની કામગીરી કે તલાટી સામેની ફરિયાદો હોય તો સરપંચો અને તલાટી આવી ફરિયાદો અધિકારીઓ સુધી પહોંચાડશે ખરા? એવી ચર્ચા ગ્રામજનોમાં શરી થઈ છે.
ગાંધીનગર જિલ્લાની ગ્રામ પંચાયતોમાં ફરીયાદ પેટી મુકવાનો ઠરાવ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠકમાં કરવામાં આવ્યો છે. જોકે ગ્રામ પંચાયતમાં મુકવામાં આવેલી ફરિયાદ પેટીને તલાટી અને સરપંચ દ્વારા ખોલવામાં આવશે. આથી ફરીયાદ પેટીનો ખર્ચ કરવા છતાં તેના પરિણામની સત્યતા જળવાશે કે નહી તેવા પ્રશ્નો લોકોમાં ઉઠી રહ્યા છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના લોકોના પ્રશ્નો રહે નહી અને તેનો ઝડપી તેમજ સત્વરે ઉકેલ આવે તે માટે ફરીયાદ પેટી મુકવામાં આવે તે જરૂરી છે. જોકે ગ્રામ પંચાયતોમાં તલાટી સમયસર હાજર રહેતા નથી. ઉપરાંત ગ્રામ પંચાયતને લગતા લોકોના કામો પણ સમયસર નહી થતાં હોવાની ફરીયાદો ગ્રામજનો દ્વારા મળી રહી છે. ત્યારે ગ્રામ પંચાયતોને લગતા લોકોના પ્રશ્નોનો ઝડપી નિકાલ આવે તેમજ લોકોના પ્રશ્નોનો તાકિદે ઉકેલ લાવવા માટે જિલ્લાના દરેક ગામની ગ્રામ પંચાયતમાં ફરીયાદ પેટી મુકવાનો નિર્ણય જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠકમાં લેવામાં આવ્યો છે. જોકે ગ્રામજનોના હિતમાં ગ્રામ પંચાયતમાં ફરીયાદ પેટી મુકવામાં આવે તે સારી બાબત છે. પરંતુ ફરીયાદ પેટીમાં રજુ થયેલા પ્રશ્નો તાલુકા કે જિલ્લા પંચાયત સુધી પહોંચશે કે કેમ તે પણ મુદ્દો છે. કેમ કે સરપંચ કે તલાટીની સામે કરેલી ફરીયાદ ઉકેલ આવ્યા વિના જ નિકાલ થઇ જશે. ત્યારે ગ્રામ પંચાયતમાં ફરીયાદ પેટી મુકવાનો કોઇ જ હેતુ રહેશે નહી.
સૂત્રોના કહેવા મુજબ ગ્રામ પંચાયતમાં મુકવામાં આવનારી ફરીયાદ પેટીમાં રજુ થયેલા પ્રશ્નોનો તાલુકા કે જિલ્લા પંચાયત સુધી પહોંચે અને તેનો યોગ્ય ઉકેલ આવે તો ખર્ચ કરેલો લેખે લાગશે. બાકી સરકારી કાગળ ઉપર ફરીયાદ પેટી જોવા મળશે. પરંતુ પ્રશ્નોના ઉકેલ નહી આવવાથી ફરીયાદ પેટી માટે કરેલો ખર્ચ પણ માથે પડશે તેવી સ્થિતિ ઉભી થવાની શક્યતા રહેલી છે. ગ્રામ પંચાયતમાં ફરીયાદ પેટી મુકાયા બાદ તેને નિયત કરેલા દિવસે તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતના રેન્ડમલી અધિકારીની હાજરીમાં પેટી ખોલવામાં આવે તેવું નક્કર આયોજન કરવું જોઇએ.