લંડનથી મેરઠ આવનારા એક જ પરિવારના 3 લોકો કોરોનાથી સંક્રમિત – નવા સ્ટ્રેઈનથી સંક્રમિત થયા હોવાની સંભાવના
- મેરઠમાં કોરોનાના નવા સ્વરૂપનો મંડરાયો ખતરો
- લંડનથી આવેલા એક જ પરિવારના 3 સભ્યો પોઝિટિવ
- 32 માંથી 15 લોકોનો તપાસ રીપોર્ટ આવ્યો
મેરઠ: ઉતરપ્રદેશના મેરઠમાં લંડનથી આવેલા 3 લોકોમાં કોરોના સંક્રમણની પુષ્ટિ થઈ છે. આ ત્રણેયને કોરોના વાયરસના નવા સ્વરૂપનું જોખમ હોઈ શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ત્રણેય 14 ડિસેમ્બરે લંડનથી પાછા આવ્યા હતા અને એક જ પરિવારના સભ્યો છે. આરોગ્ય વિભાગને આશંકા છે કે, તે સ્ટ્રેઇન -2નું સંક્રમણ પણ હોઈ શકે છે. સરકારે ત્રણેય દર્દીઓમાં સ્ટ્રેઇન-2 તપાસવા માટે સેમ્પલ દિલ્હી મોકલવા જણાવ્યું છે. આની સાથે, સંક્રમિત પરિવારને આઇસોલેશનમાં આરોગ્ય વિભાગની દેખરેખ હેઠળ રાખવામાં આવે છે.
મળતી માહિતી મુજબ લંડનથી મેરઠ આવેલા દંપતી અને તેમનું બાળક કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. યુવકના માતા-પિતા અને ભાભીનો રિપોર્ટ પણ પોઝીટીવ આવ્યો છે. આટલું જ નહીં, આજુબાજુમાં રહેતા 9 લોકો પણ કોરોના વાયરસથી સંક્રમિત જાણવા મળ્યા છે. આ કોરોના વાયરસના નવા સ્વરૂપનો ભય છે.
કેન્દ્ર સરકારે 9 ડિસેમ્બર પછી યુરોપથી મેરઠ આવનારા 44 મુસાફરોનો રીપોર્ટ આપ્યો હતો. તેમાંથી 12 અહીંથી દેશના અન્ય ભાગોમાં ગયા છે. શુક્રવારે રાત્રે 32માંથી 15નો તપાસ રીપોર્ટ મળ્યો હતો. એમાં લંડનથી આવેલા એક જ પરિવારના ત્રણ લોકોનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.
ઉત્તર પ્રદેશમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેઇન ને લઈને હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 2135 લોકો યુકેથી યુપી પાછા ફર્યા હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. તેમાંથી 563 ગૌતમ બુધનગર, 291 ગાઝિયાબાદ, જ્યારે 256 લોકો લખનઉ અને 101 મેરઠ પરત ફર્યા હતા.
આગ્રાના 58 લોકો પણ યુકેથી પરત ફર્યા છે. આગ્રામાં 35 લોકોની તપાસ કરવામાં આવી હતી, જેમાં 1 શંકાસ્પદ મળી આવ્યો હતો. હવે આરોગ્ય વિભાગની ટીમ યુકેથી આવેલા લોકોના ઘરે પહોંચી રહી છે. સરકારે આરોગ્ય વિભાગને કોરોના સ્ટ્રેઇનના કેસોને ધ્યાનમાં લઈને વધારાની તકેદારી રાખવા જણાવ્યું છે.
-દેવાંશી