Site icon Revoi.in

દ્વારકાના જગત મંદિરમાં જન્માષ્ટમીના મહોત્સવની તૈયારીઓની સમીક્ષા માટે રિવ્યુ બેઠક મળી

Social Share

ખંભાળિયાઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાના જગત મંદિરમાં જન્માષ્ટમીના પર્વની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આગામી તા. 7મી સપ્ટેમ્બરને ગુરૂવારે જન્માષ્ટમી ઉત્સવની પારંપરિક ઊજવણી કરાશે. દ્વારકાધિશના દર્શન માટે દર વર્ષની જેમ લાખો ભાવિકો ઉમટી પડેશે, યાત્રિકોને કોઈ મુશ્કેલી ન પડે અને પર્વ આનંદોલ્લાસથી ઊજવાય તેના માટેની આગોતરી તૈયારીઓની સમીક્ષા કરવા માટે દ્વારકાધિશ મંદિર વહીવટદાર કચેરીએ રીવ્યુ બેઠક યોજવામાં આવી હતી. જેમાં તંત્રના વિવિધ વિભાગોએ કરેલી કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી.

દ્વારકા ખાતે આગામી તા. 07ના રોજ જન્માષ્ટમી ઉત્સવની ભારે હર્ષાલ્લોસથી ઊજવણી કરવામાં આવશે. જેના સુચારૂ આયોજન માટે જિલ્લાના એએસપી રાધવ જૈનના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા એએસપીએ જણાવ્યું હતું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ દ્વારકામાં જન્માષ્ટમી ઉત્સવ ભારે આનંદોલ્લાસથી ઊજવાશે. કૃષ્ણ જન્મોત્સવ પ્રસંગે બહોળી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવતા હોય છે. ત્યારે ટ્રાફિક સમસ્યા ન સર્જાય, વાહન પાર્કિંગની યોગ્ય વ્યવસ્થા કરવા, હેલ્પ ડેસ્ક ઊભા કરવા સહિતની બાબતો પર યોગ્ય ધ્યાન આપવા જણાવાયું હતું. આ ઉપરાંત દિવ્યાંગો અને વૃદ્ધો માટે મંદિરમાં પ્રવેશની અલગ વ્યવસ્થા કરવા અંગે, તેમજ લોકોની પ્રાથમિક જરૂરિયાતની પણ ખાસ તકેદારી રાખવા અંગેના જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા. જન્માષ્ટમીના તહેવારોમાં પુરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે.

આ ઉપરાંત પ્રાથમિક સારવારની સુવિધા ઊભી કરવા તેમજ પુરતા પોલીસ બંદોબસ્ત સહિતના મુદ્દાની પણ ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં ડી.વાય.એસ.પી. સમીર શારડા, પ્રાંત અધિકારી દ્વારકા પાર્થ તલસાણીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.