સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો તથા મજબૂત અર્થવ્યવસ્થા વિકસિત ભારતનો આધાર બનશે: CM ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, આપણો સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો તથા મજબૂત અર્થવ્યવસ્થા વિકસિત ભારતનો આધાર બનશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપણા સાંસ્કૃતિક વારસા અને આપણી અર્થવ્યવસ્થાના પુન:જાગરણના સંવાહક છે. વર્ષ 2047માં આપણે જ્યારે આઝાદીનો શતાબ્દી મહોત્સવ ઉજવીએ ત્યારે ભારત વિકસિત દેશ હોય તે માટેનું દિશાદર્શન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપ્યું છે, તેમ તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત યુનિવર્સિટી ખાતે બે દિવસીય કલ્ચરલ ઈકોનોમી કોન્કલેવનો પ્રારંભ કરાવ્યો હતો. આ કોન્કલેવના ઉદ્ઘાટન પ્રસંગે તેલંગાણાના રાજ્યપાલ તથા પુડુચેરીના ઉપરાજ્યપાલ ડો. તમિલીસાઈ સૌંદરાજન ઉપસ્થિત રહ્યાં હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંસ્કૃતિ અને અર્થવ્યવસ્થાના પારસ્પરિક જોડાણ અંગે વાત કરતા જણાવ્યું કે, દેશની અર્થવ્યવસ્થા અને સંસ્કૃતિ એકબીજા સાથે જોડાયેલા છે અને એકબીજા પર તેમનો પ્રભાવ છે. દેશની સંસ્કૃતિને ઓળખવી અને અર્થવ્યવસ્થાને મજબૂત બનાવી તે દેશના વિકાસ માટે સૌથી મહત્વની બાબત છે. ગુજરાત યુનિવર્સિટી ખાતે યોજાઇ રહેલી આ કલ્ચરલ ઈકોનોમી કોન્કલેવ આ ઉદ્દેશને સાર્થક કરવાની દિશામાં મહત્વની સાબિત થશે એમ તેમણે જણાવ્યું હતું.
આ વિશે વધુમાં વાત કરતા મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, આપણા તહેવારો, આપણી પરંપરાઓ, સામાજિક મેળાવડાઓ તથા સામાજિક કાર્યક્રમો દેશની અર્થવ્યવસ્થાને સમૃદ્ધ બનાવવાનું કાર્ય કરે છે. તહેવારો આપણી સંસ્કૃતિનો મહત્વનો હિસ્સો છે. આવી ઉજવણીઓ અનેક લોકોને તથા ઉદ્યોગ–ધંધાને રોજગારી પૂરી પાડીને દેશની અર્થવ્યવસ્થાને સ્થિરતા બક્ષે છે. દિવાળીના તહેવારમાં દેશનું જીએસટી કલેક્શન સૌથી વધુ હતું, જે આ વાતની સાબિતી આપે છે એમ તેમણે જણાવ્યું હતું.
ગુજરાતની સાંસ્કૃતિક ધરોહર અને અર્થવ્યવસ્થામાં તેના યોગદાન વિશે વાત કરતાં મુખ્યમંત્રીએ કહ્યું કે, હમણાં જ યુનેસ્કો દ્વારા ગુજરાતનું ગૌરવ અને સાંસ્કૃતિક વિરાસત સમા ગરબાને ‘અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર‘ તરીકે જાહેર કરવામાં આવ્યાં છે. ગુજરાતનો નવરાત્રી તહેવાર ઇવેન્ટ ઇન્ડસ્ટ્રી અને ફેસ્ટિવલ ઇન્ડસ્ટ્રીની આવકમાં મહત્વનું યોગદાન આપે છે. અમદાવાદમાં યોજાતી હેરિટેજ વોક કલ્ચર અને ઈકોનોમીના જોડાણનું સાક્ષી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કુશળ નેતૃત્વ અને માર્ગદર્શનમાં જીએસટી, જનધન યોજના, માઇક્રો ફાઇનાન્સ જેવા આર્થિક ઉપક્રમો દ્વારા દેશ આજે વિશ્વની પાંચમી મોટી અર્થવ્યવસ્થા બન્યો છે એમ તેમણે જણાવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ દેશમાં કલ્ચરલ રિફોર્મ થઈ રહ્યું છે. કાશી વિશ્વનાથ કોરિડોર, મહાકાલ કોરિડોરનું નિર્માણ તેનું સૌથી મોટું ઉદાહરણ છે. આ બંને કોરિડોરના નિર્માણથી ‘પિલગ્રીમેજ ટુરિઝમ‘ને પ્રોત્સાહન મળ્યું છે અને સ્થાનિક ઇકોનોમીને પણ વેગ મળ્યો છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ચાર ધામ યાત્રા પ્રોજેક્ટ અંતર્ગત ઓલ વેધર રોડનું નિર્માણ પણ ચાલી રહ્યું છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સાંસ્કૃતિક આદાન પ્રદાન સાથે સાથે વ્યાપારિક સબંધોને વેગ આપવા ગુજરાતમાં સૌરાષ્ટ્ર તમિલ સંગમમની એક નવી પરંપરા શરૂ કરવામાં આવી છે. આ સંગમ થકી તમિલ ભાઈઓ–બહેનોએ ગુજરાતના સોમનાથ અને ઉત્તરપ્રદેશના વારાણસીનો પ્રવાસ કર્યો. તેમણે કહ્યું કે, ગુજરાતમાં આ પ્રસંગે તમિલ ભાઈઓ–બહેનો સાથે સાંસ્કૃતિક આદાન–પ્રદાનની સાથે કપડાં અને વ્યાપાર સબંધિત સેમિનારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માધવપુર ઘેડ મેળાની પરંપરા શરૂ કરી ગુજરાત અને ઉતર–પૂર્વ વચ્ચેના પ્રાચીન સબંધોને એક નવી ઊર્જા આપી છે. ગુજરાતના દ્વારકામાં પણ પ્રિલગ્રીમેજ ટુરિઝમ માટે કોરિડોરનું નિર્માણ થઇ રહ્યું છે. કલ્ચરલ એપીસેન્ટર સમાન ધર્મ સ્થાનોના વિકાસ માટે ‘પ્રસાદ‘ યોજના અમલમાં છે.
મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં કલ્ચર, હેરિટેજ તેમજ ભારતીય સંગીત, સાહિત્ય અને નૃત્યને પ્રોત્સાહિત કરી કલા વ્યવસાયને ઉચિત મંચ દેવાની સાથે સાથે કલ્ચર અને ઇકોનોમિક પ્રવૃત્તિઓને નવો આયામ આપવાનું ભગીરથ કાર્ય થઈ રહ્યું છે. રાજ્યમાં તાના–રીરી મહોત્સવ, ઉતરાર્ધ મહોત્સવ, ડાંગ ઉત્સવ દ્વારા લોકલ કલ્ચર અને ઇકોનોમીને વેગ મળ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, કોઈપણ દેશની ઇકોનોમી તેનું એન્જિન છે, જ્યારે તે દેશની સંસ્કૃતિ તેની હેડલાઇટ છે, જે દેશના વિકાસનો પંથ કંડારે છે. દેશની સમૃદ્ધિ અને સંસ્કૃતિ અર્થવ્યવસ્થામાં મહત્વનું યોગદાન આપે છે.
આ કલ્ચરલ ઈકોનોમી કોન્કલેવના ઉદ્ઘાટન પ્રસંગે તેલંગાણાના રાજ્યપાલ તથા પુડુચેરીના ઉપરાજ્યપાલ ડો. તમિલીસાઈ સૌંદરાજને જણાવ્યું કે, આપણાં દેશનો સંસ્કૃતિ વારસો પ્રાચીનકાળથી ઉન્નત રહ્યો છે. આપણા પૂર્વજો અને રાજાઓએ બનાવેલા મંદિરો આપણને વર્ષોથી સાંસ્કૃતિક રીતે જોડી રહ્યા છે અને એક બનાવી રહ્યા છે. આપણા દેશના મંદિરો કલ્ચરલ ઈકોનોમી ડેવલપમેન્ટમાં મહત્વનું યોગદાન પૂરું પાડી રહ્યા છે.