Site icon Revoi.in

ગાંધીનગરમાં સાબરમતી નદીના બન્ને કિનારે રૂપિયા 634 કરોડના ખર્ચે રિવરફ્રન્ટ બનાવાશે

Social Share

અમદાવાદઃ શહેરના સાબરમતી નદીના કિનારે બનાવાયેલું  ગિફ્ટસિટીમાં દેશ વિદેશની ઓફિસો ખુલી રહી છે. ત્યારે તેને અનુરૂપ સાબરમતી નદીના પટમાં વિદેશ જેવો લુક આપવા રિવરફ્રન્ટ બનાવવામાં આવશે. તેના માટે રૂપિયા 634 કરોડની ગ્રાન્ટની જોગવાઇ કરવામાં આવી છે. શાહપુર બ્રિજથી પીડીપીયુ બ્રિજ સુધીના સાબરમતી નદીના બન્ને તરફના નવ કિમીના વિસ્તારના નદીના પટમાં વોક વે સહિતની કામગીરી કરાશે. નદીના બન્ને પટના કિનારાને ચાર મીટર લાંબી દીવાલ પણ બનાવવામાં આવશે.

પાટનગર ગાંધીનગર શહેર નજીક પસાર થતી સાબરમતી નદીના શાહપુર ગામના નદીના સામા છેડે ગિફ્ટસિટી બનાવવામાં આવી છે. ગિફ્ટસિટીમાં વિદેશની વિવિધ કંપનીઓ પોતાની ઓફિસ ખોલી રહી છે. ઉપરાંત આગામી સમયમાં વિવિધ દેશોની એમ્બેસી પણ ખુલે તેવી શક્યતા છે. વિશ્વની ટોચની કંપનીઓ ગિફ્ટ સિટીમાં આવી રહી છે ત્યારે આસપાસના વિસ્તારના વિકાસ અને બ્યુટીફિકેશન માટે રાજ્ય સરકાર દ્વારા અનેક પ્રોજેક્ટ હાથ ધરાયા છે. ગિફ્ટ સિટી નજીક સાબરમતી નદીના પટને ડેવલોપ કરવા માટે શાહપુર બ્રિજથી પીડીપીયુ (રાયસણ) બ્રિજ સુધીના સાડા ચાર કિમી વિસ્તારમાં રિવરફ્રન્ટ બનાવવામાં આવશે. તેના માટે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 634 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ગાંધીનગરના સાબરમતી નદીના પટનો ફતેપુરા (પેથાપુર) વારીગૃહથી કોટેશ્વર અને ભાટ સુધીનો વિસ્તાર ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનની છે. જોકે તેમાંથી માત્રને માત્ર ગિફ્ટ સિટીને ધ્યાનમાં રાખીને જ રિવરફ્રન્ટ સાડા ચાર કિમી વિસ્તારમાં બનાવવામાં આવશે. જોકે નદીની બન્ને સાઇડ થઇને અંદાજે નવ કિલોમીટર વિસ્તારમાં રિવર ફ્રન્ટ બનાવીને નવો ઓપ આપવામાં આવશે. રિવરફ્રન્ટમાં વોક વે, રોડ, સીડી તેમજ લેન્ડ સ્કેપિંગ, રમતના મેદાન સહિતનું આયોજન કરવામાં આવશે. તેમજ રિવરફ્રન્ટ પર શાહપુર બ્રિજથી પીડીપીયુ બ્રિજ સુધીના વિસ્તારમાં દસ મીટરનો વોક વે બનાવાશે. ઉપરાંત નદીના કિનારા પટમાં લેન્ડ સ્કેપિંગ, બેસવા માટે, બગીચો, રમત ગમતના મેદાન, સાયકલ ટ્રેક, મનોરંજનની સુવિધા રોડ સહિતની સુવિધાઓ ઊભી કરાશે. નદીના કિનારામાં પ્રત્યેક 1 કિમીએ દાદર સાથે 3 ઘાટ અને 2 રેમ્પ બનાવાશે. નદીના સામા છેડે ગુડા દ્વારા આવા વિકાસના કામો કરીને રિવરફ્રન્ટ તૈયાર કરાશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, સાબરમતી નદીના શાહપુર બ્રિજથી પીડીપીયુ બ્રિજ સુધીના રિવરફ્રન્ટ બનાવવામાં આવશે. ત્યારે નદીના બન્ને સાઇડની કોતરોના ધોવાણને અટકાવવા માટે ચાર મીટર ઊંચાઇવાળી દીવાલ બનાવવામાં આવશે.  શાહપુર બ્રિજથી પીડીપીયુ બ્રીજ સુધીના રિવરફ્રન્ટ પાણીથી ભરવા માટે નર્મદા કેનાલમાંથી પાઇપ લાઇનથી પાણી નાંખવામા આવશે. પાણીના કારણે રિવરફ્રન્ટની રોનકમાં ચાર ચાંદ લાગી જશે. વધુમાં 1.5 મીટર ફ્રી બોર્ડ સાથે હાઇ ફ્લડ લેવલ માટે 350 મીટર ઉપર આરસીસીનું કાઉન્ટરફોર્ટ બનાવાશે. નદીના પટની નીચે કટ ઓફ વોલ બનાવાશે. જોકે નર્મદાના પાણીથી ભરવા માટે સાબરમતી નદીના કોતરમાં ખાસ પાઇપ લાઇન નાંખવામાં આવશે. (પ્રતિકાત્મક તસવીર)