Site icon Revoi.in

વિધાનસભાની ચૂંટણી માટે ભાજપમાં સેન્સની પ્રકિયા હાથ ધરાતા જ ટિકિટ મેળવવા દાવેદારોનો રાફડો,

Social Share

અમદાવાદઃ  ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની પસંદગી પ્રકિયા શરૂ કરી દીધી છે. આ વખતે ભાજપમાં ટિકિટ મેળવવા માટે દાવેદારોનો રાફડો ફટ્યો છે. સિનિયર નેતાઓથી લઈને કાર્યકર્તાઓએ પણ ટિકિટ મેળવવા માટે મથામણ શરૂ કરી દીધી છે. અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા સહિત શહેરી વિસ્તારો ભાજપના ગઢ ગણાતા હોવાથી અને સબળ ઉમેદવારોની વણઝાર હોવાથી કોને ટિકિટ આપવી તે ભાજપ માટે માથાનો દુઃખાવો બન્યો છે. ટિકિટ ન મળવાથી નારાજગી ઊભી ન થાય તે માટે ભાજપે અત્યારથી ગોઠવણ કરી દીધી છે.

રાજકોટ શહેર અને જિલ્લાની બેઠક માટે રાણીંગાવાડીમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.  વિધાનસભા બેઠક 69માં શહેર ભાજપ પ્રમુખથી માંડી ડેપ્યુટી મેયર, પૂર્વ મેયર અને સંઘ સાથે જોડાયેલા નેતાઓએ દાવેદારી કરી છે. ડો. કિરીટ સોલંકી, વંદનાબેન મકવાણા અને ભરત બારોટ દ્વારા સેન્સની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. રાજકોટ પશ્ચિમ બેઠક પર પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું દાવેદારોના લિસ્ટમાં નામ નથી. પરંતુ સમર્થકો વિજય રૂપાણીનું પહેલું નામ મૂકશે. રાજકોટ શહેરની ચાર સીટની સેન્સ પ્રક્રિયામાં ભાજપના કાર્યકરોની નારાજગી સામે આવી હતી.

આ ઉપરાંત સુરતની કામરેજ બેઠક માટે દાવેદારી પ્રફુલ્લ પાનશેરિયા સહિત અનેક નેતીઓએ કરી છે. જ્યારે અમદાવાદની 8 વિધાનસભા બેઠક પર સેન્સ લેવાની શરૂઆત થઈ ચૂકી છે. શાહીબાગના ઓસ્વાલ ભવન ખાતે એલિસબ્રિજ વિધાનસભા બેઠકની સેન્સ લેવામાં આવી રહી છે. હાઈપ્રોફાઈલ બેઠક એવી એલિસબ્રિજ વિધાનસભામાં વર્તમાન ધારાસભ્ય રાકેશ શાહ, અમદાવાદ શહેર પ્રમુખ અમિત શાહ, પાલડી વોર્ડના કોર્પોરેટર અને રેવન્યુ કમિટિ ચેરમેન જૈનિક વકીલ, અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન ડો. સુજય મહેતા પાલડી વોર્ડના કોર્પોરેટર પ્રિતેશ મહેતા તેમજ ચૈતન્ય શંભુ મહારાજ સહિતના હાઈ પ્રોફાઈલ નેતાઓએ એલિસ બ્રિજ વિધાનસભા બેઠક માટે દાવેદારી નોંધાવી છે. ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા પણ બાપુનગર તેમજ ઠકકરબાપા નગરથી દાવેદારી નોંધાવી  છે. બાપુનગર બેઠક માટે દાવેદારી નોંધાવવા ભાજપના નેતાઓ અને કાર્યકરોનો જમાવડો જોવા મળ્યો હતો. બાયોડેટા આપવા માટે ધક્કામુક્કી થઈ હતી.  ભાજપ સોશિયલ મીડિયા પ્રભારી પંકજ શુક્લ તથા શહેર મહામંત્રી પરેશ લાખાણીએ પણ દાવેદારી કરી છે. બાપુનગર વિધાનસભા બેઠક માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પક્ષના નેતા ભાસ્કર ભટ્ટ પણ દાવેદારી કરવા પહોંચ્યા હતા. ઉપરાંત બાપુનગર વોર્ડના ભાજપના ચારેય કોર્પોરેટર વિધાનસભા બેઠક માટે દાવેદારી નોંધાવશે. અમદાવાદમાં મણિનગર બેઠક માટે સીટીંગ MLA સુરેશ પટેલ અને AMCના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન અમુલ ભટ્ટે પણ દાવેદારી કરી છે. આ સિવાય મણીનગર બેઠક માટે દશરથ મુખી પૂર્વ કાઉન્સિલર દાવેદારી માટે પહોંચ્યા હતાં. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા આશિષ અમીન પણ મણિનગર બેઠક ઉપરથી દાવેદારી કરવા પહોંચ્યા હતા. વોર્ડ મહામંત્રી કમલેશ પટેલ પણ દાવેદારી માટે પહોંચ્યા  હતા. છેલ્લી ઘડીએ પૂર્વ કાઉન્સિલર નિશા ઝા દાવેદારી માટે પહોંચ્યા હતા. ખોખરાના પૂર્વ કાઉન્સિલર અને અમદાવાદ મહિલા મોરચા મહામંત્રી જયમીની દવે પણ દાવેદારી માટે પહોંચ્યા હતાં.

સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજકોટની બેઠક માટે  ધારાસભ્ય લાખા સાગઠિયા, મોહન દાફડા, ભાનુબેન બાબરીયા, રાજુ અઘેરા, બાલુબેન મકવાણા, ગિરીશ પરમાર, કંચનબેન બગડા, બીંદીયાબેન મકવાણા અને મનોજ રાઠોડે દાવેદારી નોંધાવી છે. જ્યારે રાજકોટ પશ્ચિમ બેઠક પર સમર્થકો પહેલું નામ વિજય રૂપાણી પછી બીજું નામ નીતિન ભારદ્વાજનું મૂકશે. રૂપાણી વ્યક્તિગત દાવેદારી ન નોંધાવે તેવી શક્યતા છે. રૂપાણી પહેલા જ કહી ચૂક્યા છે કે, પાર્ટી આદેશ કરશે તો જ તેઓ ચૂંટણી લડશે. જ્યારે રાજકોટ દક્ષિણ બેઠક પર ધનસુખ ભંડેરીએ દાવેદારી નોંધાવી છે. તેઓએ જણાવ્યું હતું કે, કોઈ પણ ઉમેદવાર આવે અમે તન મન ધનથી જીતાડીશું. જ્યારે પશ્ચિમ બેઠકને લઈને ભાજપના નેતા નીતિન ભારદ્વાજે જણાવ્યું હતું કે, વિજયભાઈ રૂપાણી ચૂંટણી લડે તે કાર્યકરોની પ્રથમ લાગણી અને માગણી છે. આ બેઠક પર રૂપાણી જ લડી શકે છે. ઉલ્લેખનીય છે કે, નીતિન ભારદ્વાજ રૂપાણીના નજીકના નેતા માનવામાં આવે છે. ધોરાજી-ઉપલેટા બેઠક પર પ્રવીણ માકડિયા, મહેન્દ્ર પાડલિયા અને મનિષ ચાંગેલાએ દાવેદારી નોંધાવી છે. જયેશ રાદડિયાએ જેતપુર-જામકંડોરણા બેઠક પર દાવેદારી નોંધાવ્યા બાદ જણાવ્યું હતું કે, વર્ષોથી હું લોકો વચ્ચે રહ્યો છું, લોકોની મુશ્કેલીમાં હંમેશા પરિવારની જેમ સાથે રહ્યો છું. જેતપુર બેઠક પર ફરીથી ભાજપનો ભગવો લહેરાશે. અન્ય 2 દાવેદાર જશુમતિબેન કોરાટ અને જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખ ખાચરીયાએ દાવેદારી નોંધાવતા જણાવ્યું હતું કે, તમામને દાવેદારી કરવાનો અધિકાર છે. કોને ટિકિટ આપવી તે પાર્લામેન્ટરી બોર્ટ નક્કી કરતું હોય છે. રાજકીય પાર્ટીમાં જમીન સાથે જે જોડાયેલી વ્યક્તિ હોય છે તેને ટિકિટ આપવામાં આવતી હોય છે.