Site icon Revoi.in

સમાજવાદી પાર્ટીના સાંસદે સંસદમાંથી સેંગોલને હટાવવા કરી માંગણી

Social Share

લખનૌઃ ઉત્તર પ્રદેશના મોહનલાલગંજથી સમાજવાદી પાર્ટીના સાંસદ આરકે ચૌધરીએ એક પત્ર લખીને માંગણી કરી છે કે, સંસદમાં સ્થાપિત સેંગોલને હટાવવામાં આવે. હવે સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે આ અંગે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, અમારી પાર્ટીના સાંસદ કદાચ આવું એટલા માટે કહી રહ્યા હશે કારણ કે જ્યારે સેંગોલને પહેલીવાર સ્થાપિત કરવામાં આવ્યું ત્યારે પીએમ નરેન્દ્ર મોદીએ તેમને ઔપચારિક રીતે પ્રણામ કર્યાં હતા. આ વખતે શપથ લેતી વખતે કદાચ તેઓ ભૂલી ગયા હતા. એ જ યાદ અપાવવા માટે કદાચ પાર્ટીના સાંસદે આવો પત્ર લખ્યો છે. સેંગોલ રહેવું જોઈએ? આ સવાલ પર અખિલેશે કહ્યું કે, જ્યારે પીએમ પ્રણામ કરવાનું ભૂલી ગયા તો તેનો અર્થ એ છે કે તેમની પણ કોઈ બીજી ઈચ્છા હોવી જોઈએ.

સપા સાંસદ આરકે ચૌધરીએ સ્પીકર અને પ્રોટેમ સ્પીકરને પત્ર લખ્યો હતો કે, સેંગોલની જગ્યાએ ભારતીય બંધારણની વિશાળ નકલ લગાવવામાં આવે. સેંગોલ એ રાજાશાહીનું પ્રતીક છે. સમાજવાદી પાર્ટીના લોકસભા સાંસદ આરકે ચૌધરીએ કહ્યું હતું કે, ‘બંધારણ લોકશાહીનું પ્રતીક છે. પીએમ મોદીના નેતૃત્વમાં ભાજપ સરકારે સંસદમાં ‘સેંગોલ’ની સ્થાપના કરી હતી. ‘સેંગોલ’ એટલે ‘રાજ દંડ’. તેનો અર્થ ‘રાજાનો દંડો’ પણ થાય છે. રજવાડા પ્રથા નાબૂદ થયા પછી દેશ આઝાદ થયો. દેશ રાજાના શાસનથી ચાલશે કે બંધારણથી? હું માંગ કરું છું કે બંધારણ બચાવવા માટે સેંગોલને સંસદમાંથી હટાવવામાં આવે. સેંગોલ પર સપા સાંસદ આરકે ચૌધરીની ટિપ્પણી પર કોંગ્રેસના સાંસદ કે. સુરેશે કહ્યું, ‘મને ખબર નથી કે તેમણે શું મંતવ્યો વ્યક્ત કર્યા છે. મને ખબર નથી પણ સમાજવાદી પાર્ટીએ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે અને નિવેદન આપ્યું છે. તેથી, તેઓ તેને ધ્યાનમાં લેશે.