ઉજ્જૈનઃ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ના અધ્યક્ષ ડૉ.શ્રીધર સોમનાથે કહ્યું છે કે મહાકાલ નામનો ઉપગ્રહ અવકાશમાં સ્થાપિત કરવામાં આવશે. સોમનાથે બુધવારે ઉજ્જૈનમાં ભગવાન મહાકાલના દર્શન કર્યા હતા. તેમણે દર્શન કર્યા બાદ મીડિયા સાથે વાત કરતા આ માહિતી આપી હતી. સોમનાથે કહ્યું કે જ્યાં વિજ્ઞાનની મર્યાદા પૂરી થાય છે ત્યાંથી અધ્યાત્મ શરૂ થાય છે. આધ્યાત્મિકતામાંથી ધર્મનો જન્મ થયો છે.
ઈસરોના અધ્યક્ષ મહર્ષિ પાણિની સંસ્કૃત અને વૈદિક વિશ્વવિદ્યાલયના ચોથા દીક્ષાંત સમારોહમાં હાજરી આપવા ઉજ્જૈન આવ્યા હતા. આ કાર્યક્રમમાં તેઓ સારસ્વત મહેમાન હતા. કાર્યક્રમને સંબોધતા સોમનાથે સંસ્કૃત ભાષાના મહત્વ વિશે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે સંસ્કૃતના પ્રાચીન ગ્રંથો અવકાશ સંશોધનના મૂળ સ્ત્રોત છે. શૂન્યથી અનંત સુધીનું જ્ઞાન આપણને સંસ્કૃતમાંથી મળ્યું છે. ગૂગલ પણ વિજ્ઞાનના ક્ષેત્રમાં સંસ્કૃતના મહત્વને ઓળખે છે. ભારતીય જ્યોતિષના મૂળ ગ્રંથોમાં અવકાશ સંશોધનનું મૂળ રહસ્ય છુપાયેલું છે. વિદ્યાર્થીઓ સાથેની વાતચીત દરમિયાન, તેમણે શાળાના અભ્યાસથી લઈને ઈસરોના અધ્યક્ષ બનવા સુધીની તેમની સફર પણ શેર કરી હતી.
દીક્ષાંત સમારોહ બાદ સોમનાથ ભગવાન મહાકાલના દર્શન કરવા ગયા હતા. તેમણે ગર્ભગૃહમાં પૂજા અને અભિષેક કર્યો હતો. તેમણે 29 મેના રોજ નેવિગેશન સેટેલાઇટ લોન્ચ કરવા માટે નંદી હોલમાં બેસીને ભગવાન મહાકાલની પ્રાર્થના કરી હતી. આ પછી શ્રી સિદ્ધિવિનાયક ગણેશ મંદિર પહોંચ્યા બાદ તેમણે રક્ષા સૂત્ર પણ બાંધ્યું હતું. આ દરમિયાન શ્રી મહાકાલેશ્વર વ્યવસ્થાપન સમિતિએ ડો. સોમનાથનું સન્માન કર્યું હતું.