Site icon Revoi.in

ચૂંટણી ટાણે પક્ષપલટાની મોસમ, કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય ભગા બારડ ભાજપમાં જોડાયા

Social Share

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે પક્ષપલટાની મોસમ પણ ખીલી ઉઠતી હોય છે. ગઈકાલે જ કોંગ્રેસના સિનિયર ધારાસભ્ય મોહનસિંહ રાઠવાએ પોતાના પૂત્રને ટિકિટ અપાવવાના મોહમાં કોંગ્રેસને રામ રામ કરીને ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. ત્યાર બાદ આજે તલાલાના ધારાસભ્ય ભગાભાઈ બારડે પણ કોંગ્રેસને રામ રામ કરીને ભાજપમાં જોડાયા હતા. આમ કોંગ્રેસને ચૂંટણી ટાણે જ મોટો ફટકો પડ્યો છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત બાદ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ઘણીબધી બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. જ્યારે ભાજપમાં ઉમેદવારોની પસંદગીને લઈને કવાયત કરવામાં આવી રહી છે. એકાદ-બે દિવસમાં ભાજપના ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવશે. ભાજપમાં કોંગ્રેસના જીતી શકે તેવા ધારાસભ્યોને ખેંચવાની હોડ ચાલી રહી છે. ત્યારે કોંગ્રેસના વધુ એક ધારાસભ્યએ પક્ષપલટો કર્યો છે. કોંગ્રેસનાં અન્ય સિનિયર નેતા ભગાભાઇ બારડે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધા બાદ  ભાજપના કમલમ પહોંચીને કેસરિયો ધારણ કર્યો હતો.
ભગવાન બારડ સૌરાષ્ટ્ર આહીર સમાજના અગ્રણી એવા પૂર્વ સાંસદ સ્વ.જશુભાઈ બારડના ભાઈ છે. તેમનો પરિવાર વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલો છે. સ્વ.જશુભાઈ અને ભગવાનભાઈ બારડના પિતાજી ધાનાભાઈ માંડાભાઈ બારડ કોંગ્રેસી આગેવાન હતા.
ભગા બારડનાં રાજીનામા બાદ કોંગ્રેસનાં પ્રવક્તા ડો. મનીશ દોશીએ  જણાવ્યુ હતું કે, કોંગ્રેસનાં કાર્યકર્તા અને શિર્ષ નેતૃત્વ પણ તેમની સાથે ઊભુ હતુ.  ભગાભાઇએ  ખુલાસો કરવો પડશે કે, તેમને તકલીફ શું હતી. કાર્યકરોની મહેનત અને જનતાએ મુકેલા વિશ્વાસ પછી તેઓ કેમ છોડીને જઇ રહ્યા છે તે તેમણે જણાવવું જોઇએ.

ગુજરાત કોંગ્રેસનાં દિગ્ગજ નેતા મોહનસિંહ રાઠવા અને ભગવાનભાઇ બારડનાં રાજીનામા બાદ સુખરામ રાઠવાના રાજીનામાની વાત ચર્ચાઇ રહી હતી તેઓ કોંગ્રેસનો હાથ છોડીને ભાજપમાં જોડાઇ તેવી સંભાવના ચર્ચાઇ રહી હતી. જો કે સુખરામ રાઠવાએ  જણાવ્યુ હતું  કે,  હું  કોંગ્રેસમાંથી  રાજીનામું નહીં આપું.  મોહનસિંહ રાઠવા અમારા વરિષ્ઠ નેતા છે અને મારા સંબંધી પણ છે પરંતુ તે પોતાના અંગત કારણોસર પક્ષપલટો કર્યો  છે. તેઓ અમને માર્ગદર્શન આપતા હતા.