ભાવનગરઃ શહેરના સૌથી જુના અને કરોડોના ખર્ચે નવીનીકરણ કરાયેલા પીલગાર્ડનમામ આવેલા પક્ષી ઘરમાથી અજાણ્યા શખસો 40 જેટલા કબુતરોની ચોરી કરી ફરાર થઈ જતાં ભારે ચકચાર મચી જવા પામી છે આ અંગે પીલગાર્ડનના સિક્યુરિટી ગાર્ડે અજાણ્યા શખ્સો વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ભાવનગર શહેરની મધ્યમાં આવેલા પિલગાર્ડનમાં પક્ષીઘર બનાવવામાં આવ્યું છે. જેમાં દેશ-વિદેશના પક્ષીઓ રાખવામાં આવ્યા છે. ગાર્ડન અને પક્ષીઘરની રક્ષા માટે સિક્યુરિટીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તેમ છતાં પક્ષીઘરમાં પક્ષીઓના પિંજરામાંથી 40 જેટલા પક્ષીઓની કોઈ અજાણ્યો ઇસમ ચોરી કરી નાસી છૂટ્યો છે. જોવાની ખૂબી એ છે કે પિલગાર્ડનની અંદર જ મ્યુનિ.ની ગાર્ડન વિભાગની કચેરી પણ આવેલી છે. મ્યુનિ.કોર્પોરેશને રૂપિયા 11 કરોડથી વધુના ખર્ચે બનાવેલા પિલગાર્ડનમાં ચોકીદારો પણ રાખવામાં આવ્યા છે પરંતુ ચોકીદાર માત્ર નામના જ હોય તેમ પિલગાર્ડનમાંથી 40 જેટલા પક્ષીઓની ચોરી થઈ છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, શહેરમાં આવેલા પીલગાર્ડન યેનકેન પ્રકારે ચર્ચાઓમાં સતત છવાયેલું રહે છે, મ્યુનિ. તંત્રએ રૂપિયા 11 કરોડના ખર્ચે આ ગાર્ડનનુ રીનોવેશન કર્યું પરંતુ શહેરીજનોને જે પ્રકારે આકર્ષણ – નઝરાણું મળવું જોઈએ એવું કંઈ જ તંત્રએ ઉકાળ્યુ નથી. આજે પણ પ્રજાજનો આ ગાર્ડનની મુલાકાતે આવે અને જાણે કે તાજેતરમાં આ ઉદ્યાનને નવા ક્લેવર પાછળ રૂપિયા 11 કરોડનો ખર્ચ થયો છે, તો એ વાત સાંભળીને વિસ્મયથી અચરજ પામે છે. ટૂંકમાં કહીએ તો તંત્રએ ખર્ચેલા 11 કરોડ છતાં ગાર્ડનમાં નવીનતા કશી જ નહીં. શહેરમાં પીલગાર્ડનમાં તાજેતરમાં એક બનાવ બન્યો છે, જેમાં મહાનગરપાલિકાની એક કચેરી તથા 24 કલાક સિક્યુરિટી ગાર્ડનો પહેરો હોવા છતાં પક્ષીઘરના પીંજારામાંથી કોઈ અજાણ્યા શખ્સો 40 જેટલા પક્ષી જીવની ચોરી કરી ફરાર થઈ ગયા છે. સિક્યુરિટી ગાર્ડનો અખંડ પહેરો છતાં હિંમતવાન તસ્કરો એ અજીબ પ્રકારની ચોરી કરી તંત્રને પડકાર ફેંક્યો હોય એવું લાગી રહ્યું છે આ અંગે સિક્યુરિટી ગાર્ડે અજાણ્યા શખ્સો વિરુદ્ધ એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં અરજી આપતાં પોલીસે અરજી આધારે તપાસ હાથ ધરી છે. ભાવનગર મહાનગરપાલિકાના ગાર્ડન વિભાગના સુપ્રિ.કે.કે ગોહિલે જણાવ્યું કે, પીલગાર્ડનમાંથી 40 જેટલા કબૂતરોની ચોરી થઈ છે આ અંગે સિક્યુરિટી ગાર્ડે અજાણ્યા શખ્સો વિરુદ્ધ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે.