અમદાવાદઃ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ બંદર પર વેસ્ટ-ટૂ-વેલ્થ’ વિષય પર સેમિનાર યોજાયો હતો. જેમાં મુંબઈ, કેરળ, હૈદરાબાદ, કોચી વગેરે શહેરોના તજજ્ઞોએ કચરામાંથી બેસ્ટ ઉત્પાદનો બનાવવા અંગની તાલીમ આપી હતી. મત્સ્યોદ્યોગ સામેના પડકારો તેમજ તેમાં રહેલી શક્યતાઓ જાણવા માટે વેસ્ટ-ટૂ-વેલ્થ વિષય અંતર્ગત રાષ્ટ્રીય સેમિનાર યોજવામાં આવ્યો હતો. ICAR-CIFT તેમજ સોસાયટી ઓફ ફિશરિઝ ટેક્નોલોજી દ્વારા સ્વચ્છતા એક્શન પ્લાનને અનુલક્ષીને આ સેમીનાર રાખવામાં આવ્યો હતો.
ચાર તબક્કામાં યોજાયેલા આ સેમિનારમાં વેરાવળમાં એક્વાકલ્ચર અને મત્સ્યોદ્યોગના ઘન કચરો, સ્થાનિક કચરો, પ્રવાહી કચરો જેવા વિવિધ કચરા અંગે માહિતી આપી તેના પુનઃઉપયોગ અંગે સમજણ આપી હતી. વિવિધ દરિયાઈ ઉત્પાદનમાંથી પેદા થતા કચરામાંથી સૌદર્ય પ્રસાધનો, દવાઓ, ખાતર, સ્પ્રે સહિતની વિવિધ પ્રોડક્ટ્સ બનાવી શકાય છે તેમ સમજાવી તે કેવી રીતે તૈયાર થાય અને પર્યાવરણ પર તેની અસરો પર માર્ગદર્શન આપ્યું હતું. સેમિનારમાં ‘ઝિંગાના વિશિષ્ટ ઉત્પાદનો’ તેમજ ‘માછલી કાપવાની વિશિષ્ટ શૈલીઓ’ વિશે સમજણ આપતી બુકલેટનું પણ વિમોચન પણ કરવામાં આવ્યું હતું.