- કોરોનાનું સંક્રમણ ફેલતુ અટકાવવા લેવાયો નિર્ણય
- કલેકટર અને સ્થાનિક આગેવાનોની મળી હતી મીટીંગ
- લોકોને જીવન જરૂરી વસ્તુઓ મળી રહે તેવી વ્યવસ્થા
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસ વધતા સંક્રમણ અટકાવવા અમદાવાદ સહિત 20 શહેરોમાં કર્ફ્યુ નાખીને કેટલાક નિયંત્રણો લાદવામાં આવ્યાં છે. બીજી તરફ અનેક નાના શહેરો અને ગ્રામીણ વિસ્તારમાં સ્વયંભૂ બંધ અને આંશિક સ્વૈચ્છીક લોકડાઉનનો અમલ કરવામાં આવી રહ્યો છે. દરમિયાન પાટણ જિલ્લામાં 7 દિવસના લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લાના પોલીસ વડા, કલેકટર, વેપારીઓ તથા સામાજીક આગેવાનોની મળેલી બેઠકમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
પાટણ શહેર અને જિલ્લામાં મંગળવાર સવારથી પાટણ જિલ્લામાં 7 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન લાગુ કરાશે. સતત વધતા સંક્રમણને લઇને જિલ્લામાં સ્વૈચ્છિક લોકડાઉનનો માર્ગ અપનાવાયો છે. આ સ્વૈચ્છિક લોકડાઉનમાં લોકો માત્ર જીવન જરૂરિયાતી વસ્તુ લેવા માટે જ બહાર નીકળી શકશે. તંત્ર દ્વારા પ્રજાને લોકડાઉનમાં સહકાર આપવા અપીલ કરવામાં આવી છે. લોકડાઉનનો ભંગ કરનાર સામે કાર્યવાહી પણ કરવામાં આવશે. જિલ્લા કલેક્ટરે સોમવારે બજારોમાં ભીડ ન કરવા પણ અપીલ કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પાટણ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. દસ દિવસના સમયગાળામાં જ 1100થી વધારે પોઝિટિવ કેસ સામે આવતા તંત્ર હરકતમાં આવ્યું છે. તાજેતરમાં જ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ પાટણ જિલ્લાની મુલાકાત કરીને પરિસ્થિતિ નિહાળી હતી. તેથી હવે પરિસ્થિતિ કાબુ બહાર ન થાય તે માટે લોકોએ સ્વૈચ્છિક લોકડાઉનનો રસ્તો અપનાવ્યો છે.